26મીએ મુંદરામાં જિલ્લાકક્ષાનું પ્રજાસત્તાક પર્વની ઉજવણી : તૈયારીનો ધમધમાટ

ભુજ, તા. 13 : મુંદરા પ્રાંત કચેરીના મિટિંગ હોલ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા ગત 10મીએ યોજાયેલી બેઠકમાં આગામી 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ મુંદરા ખાતે શાસ્ત્રી મેદાનમાં યોજવા સ્થળ ચકાસણી સહિતના પાસાંઓનો પરામર્શ કરાયો હતો. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી સંદર્ભે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે શિક્ષણ વિભાગને, ફલેગમાર્ચ અને પરેડની તૈયારી માટે પોલીસતંત્રને નિર્દેશો આપ્યાં હતા. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ લોકો ઉત્સાહભેર ભાગ લે તે સાથે વિભાગવાર વિશિષ્ટ કામગીરી માટે સન્માનોની સંખ્યા નિયંત્રિત કરી એવોર્ડનું ગૌરવ જાળવવા ઉપર ભાર મૂકયો હતો. અધિક કલેકટર કુલદીપાસિંહ ઝાલાએ ધ્વજવંદન કાર્યક્રમ બાદ કચેરી તપાસણીનું જણાવી મંત્રીના હસ્તે સન્માનપત્ર માટે દરેક વિભાગોને તા.15/1/2020 સુધીમાં વિશિષ્ટ કામગીરી કરનારાઓની વિગતો મોકલી આપવા ખાસ ભાર મૂકયો હતો. મુંદરા પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીએ બેકડ્રોપ, આમંત્રણ પત્રિકા, વૃક્ષારોપણ સહિતની બાબતે પ્રકાશ પાડયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મુંદરા ખાતે 26મીએ કચ્છના પ્રભારીમંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ધ્વજવંદન થનાર છે. પશ્ચિમ વિભાગના ડીવાયએસપી બી.એમ.દેસાઇએ પોલીસ વિભાગના મહિલા અને પુરૂષ પ્લાટૂન, એન.સી.સી. સહિત એસ.પી.સી. ગૃહરક્ષક દળની પરેડની વ્યવસ્થા વગેરે અંગેની વિગતો આપી હતી. પ્રજાસતાક પર્વની તૈયારીઓની આખરી ચકાસણી માટે તા. 24મી જાન્યુઆરીએ ગ્રાઉન્ડ રીહર્સલ પણ યોજાશે. આ બેઠકમાં પીજીવીસીએલના અધીક્ષક ઇજનેર અમૃતભાઈ ગુરવા, ડીઆઇસીના કે.પી.ડેર, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એમ.પ્રજાપતિ, પશુપાલન વિભાગના ડો. કે.જી.બ્રહ્મક્ષત્રિય, વાસ્મોના ડી.સી.કટારીયા, વન વિભાગના જાવેદ મુજાવર, આરોગ્ય વિભાગના ડો. કુરમી, ડીઇપીઓ સંજય પરમાર, નાયબ મામલતદાર મહાવીરાસિંહ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer