મોખા ટોલનાકે 20.59 લાખનો દારૂ ઝડપાયો

મોખા ટોલનાકે 20.59  લાખનો દારૂ ઝડપાયો
ગાંધીધામ, તા. 13 : મકરસંક્રાંતિ પહેલાં પોલીસે દારૂના રસિયાઓના મનસૂબા ઉપર પાણી ફેરવી નાખ્યું હતું જેમાં મુખ્ય મોખા ટોલનાકેથી રૂા. 20.59 લાખનો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે પશ્ચિમ અને પૂર્વમાં દારૂના 6 દરોડા પાડી સાત શખ્સોને પકડી લીધા હતા જેમને વધુ તપાસ માટે અદાલતમાં હાજર કરાતા 20 જાન્યુઆરી સુધીના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા હતા. 6 શખ્સો પોલીસની પકડમાં આવ્યા નહોતા. મુંદરા તાલુકાના મોખા ટોલનાકા ઉપર પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન અંજાર બાજુથી આવતાં ટેમ્પો નંબર એચ.પી. 53-ડી-0199ને રોકાવી બાજુએ લઈ જવાયો હતો. આ ટેમ્પોની પાછળ દોરડું કાઢી વિશેષ પાવડરની થેલીઓ હટાવાતાં તેની નીચેથી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. આ ટેમ્પોમાંથી મેક્ડોવેલ્સ નં.1, પાર્ટી સ્પેશ્યલ તથા કમાન્ડર એન્ડ ચીફ કેરીબિયન ગોલ્ડ-3 એકસ રમની કુલ 5844 બોટલ કિંમત રૂા. 20,58,900નો શરાબનો જથ્થો હસ્તગત કરાયો હતો. ટેમ્પોમાં સવાર પંજાબના અરૂણ જગદીશસિંહ રાણા તથા જીતેન્દ્ર નરેન્દ્રકુમાર ત્યાગીની ધરપકડ કરવામાં આવી હતી. હરિયાણાથી આ દારૂ રાજીવ સંઘુએ મોકલાવ્યો હતો જે અહીંના મો. 97242 92966નો શખ્સ લેવા આવવાનો હતો. પરંતુ તે પહેલાં પોલીસે આ દારૂ પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં એલસીબીનો સ્ટાફ જોડાયો હતો. બીજી બાજુ, ભુજ તાલુકાના ગંઢેર ગામમાંથી શરાબનો જથ્થો જપ્ત કરાયો હતો. પૂર્વ બાતમીના આધારે પોલીસે કુકમા રેહા રોડ ઉપર વોચ ગોઠવી હતી. તેવામાં બાતમીવાળી કાર જી.જે. 12 એઈ 6443 નીકળતાં પોલીસે તેને રોકાવી હતી, પરંતુ કાર ચાલકે વાહન ઉભું રાખ્યું ન હતું. પોલીસે તેનો પીછો કરતાં આ વાહન ગંઢેર ગામ બાજુ જતાં પોલીસે ગામના લોકોને જાણ કરી હતી, જેથી ગામ લોકોએ આ કારને અટકાવી દીધી હતી. પછીથી પહોંચી આવેલી પોલીસે મહેન્દ્ર માનસિંગ મકવાણા (કોળી) નામના શખ્સને દબોચી લીધો હતો. આ કારમાંથી રૂા. 46,200ની 132 બોટલ જપ્ત કરાઈ હતી. અંજાર વિજયનગરનાં વિજય વીરા ટાપરિયા (ગઢવી)એ આ દારૂ ભરી આપી ભુજના રમજાન હારૂન ધોસાને આપવા કહ્યું હતું. પકડાયેલો શખ્સ મહેન્દ્ર મકવાણા નશાયુક્ત હાલતમાં હોવાથી તેના વિરૂદ્ધ આલાયદો ગુનો નોંધાયો હતો. વધુ એક દરોડો ભુજના એરફોર્સ સ્ટેશન ગેઈટ નંબર બેની સામે ઝુંપડપટ્ટીમાં પાડવામાં આવ્યો હતો. અહીં બાઈક નંબર જીજે 12 ડીએન 3023માં થેલા રાખી દારૂ વેચતા રણજીત શિવા પગી અને દિનેશ શિવા કોળીની અટક કરાઈ હતી. આ શખ્સો પાસેથી રૂા. 12,950ની 37 બોટલ દારૂ જપ્ત કરાયો હતો. રાપરમાં પાવર હાઉસ વિસ્તારમાં પોલીસે છાપો માર્યો હતો, અહીં એક મકાનમાંથી રૂા. 11,500ની 32 બોટલ શરાબ કબજે લેવાયો હતો, પરંતુ રાજેશ ઉર્ફે રાજુ વાલજી સિયારિયા નામનો શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો. વધુ એક દરોડો ગેડી ગામમાં પાડવામાં આવ્યો હતો. અહીં એક મકાનમાંથી રૂા. 9700નો દારૂ હસ્તગત કરાયો હતો, પરંતુ અનોપસિંહ બળવંતસિંહ વાઘેલા નામના શખ્સ સુધી પોલીસ પહોંચી શકી નહોતી. અંજારનાં સતાપર ફાટક પાસેથી જીગરનાથ કિશોરનાથ નાથબાવા તથા સંજયનાથ નાનજીનાથ નાથબાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી દારૂની એક બોટલ તથા બાઈક એમ કુલ રૂા. 35,300નો મુદામાલ જપ્ત કરાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer