ભુજના ચાંદીના કારીગર સાથે અજ્ઞાત શખ્સો દ્વારા 7.58 લાખની ઠગાઈ

ગાંધીધામ, તા. 13 : ભુજમાં દાગીના બનાવનાર એક કારીગર પાસેથી રૂા. 7,58,162નાં 91 નંગ ચાંદીના સાંકળા બનાવી આ સાંકળા લઈ જઈ રકમની ચૂકવણી ન કરતાં ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભુજના પ્રમુખ સ્વામીનગરમાં શેરી નંબર પાંચમાં રહેતા જમનાદાસ શંભુલાલ પોમલ નામના વૃદ્ધ કારીગરે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જુદા-જુદા ચાંદીના વેપારીઓના ઓર્ડર લઈ તેમના માલમાંથી સાંકળા બનાવી કારીગરી કરનારા આ વૃદ્ધ ગત તા. 25/11ના પોતાના ઘરે હતા ત્યારે તેમને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને પોતે પ્રશાંત રમેશ પાંભર રાજકોટથી હોવાનું આ શખ્સે જણાવ્યું હતું. આ શખ્સે પોતે રાજકોટમાં ચાંદીનો હોલસેલનો વેપારી હોવાનું અને 20 કિલો ચાંદીમાંથી સાંકળા બનાવી આપવા કહ્યું હતું. આ ફરિયાદીને તેણે વિશ્વાસમાં લઈ લીધો હતો. આ શખ્સના જણાવ્યા મુજબ ફરિયાદીએ રૂા. 7,58,162ના 91 નંગ સાંકળાની જોડી બનાવીને તૈયાર કરી નાખી હતી. દરમ્યાન તા.16/12ના તેમના ઘરે કાર નંબર જી.જે. 03 કેસી 0341માં સવાર થઈને આ પ્રશાંત પાંભર અને તેની પત્ની ગીતાબેન ઉર્ફે નેહાબેન આવ્યા હતા. આ બન્નેએ સાંકળા લઈ લીધા હતા અને આંગડિયા પેઢી થકી તમને પૈસા મળી જશે તેવું કહ્યું હતું. તેવામાં અજાણ્યા નંબરથી ફરિયાદીને ફોન આવ્યો હતો અને રમેશ કાંતિ આંગડિયા પેઢીમાંથી બોલું છું. તમારું પેમેન્ટ આવી ગયું હોવાનું આ અજાણ્યા શખ્સે ફરિયાદીને કહ્યું હતું. સાંકળા લઈને દંપતી નાસી ગયું હતું. આ ફરિયાદી જમનાદાસ પોમલ આંગડિયા પેઢીમાં પૈસા લેવા જતાં તમારા આવા કોઈ જ પૈસા ન આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન આ આરોપીએ ફરિયાદીને જે ચેક આપ્યો હતો તે પણ બેંકમાં નાખતાં તે ચેક પણ બાઉન્સ થયો હતો. આ ફરિયાદીએ વારંવાર પ્રશાંતને ફોન કરતાં તેણે ફોન ઉપાડયો નહોતો. પરિણામે પોતે છેતરાઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂા 7,58,162ની આ છેતરપિંડીના બનાવમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer