માંડવી પોલીસે ચાઇનીઝ દોરી સામે કરી લાલઆંખ : 119 ફિરકી જપ્ત

ગાંધીધામ, તા. 13 : સમગ્ર જિલ્લામાં પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરી વેચાઇ રહી છે તેમ છતાં પોલીસ કે અન્ય તંત્રો આ અંગે કોઇ જ કાર્યવાહી કરતાં નથી તેવામાં માંડવી પોલીસે એકી સાથે ત્રણ વેપારીઓને પકડી પાડી આ વેપારીઓ પાસેથી રૂા. 11300ની 119 ચાઇનીઝ ફિરકી જપ્ત કરી હતી. મકરસંક્રાંતિ નિમિતે જિલ્લામાં અનેક લોકો પતંગ, દોરીની દુકાનો બાંધી સિઝનલ ધંધો કરતા હોય છે. આવામાં અમુક લોકો પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરી અને તુક્કલ પણ વેચતા હોય છે. જિલ્લામાં ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજ, મુંદરા, ભચાઉ, વગેરે જગ્યાએ આવી પ્રતિબંધિત દોરી વેચાતી હોવાના અગાઉ બનાવો બની ચૂકયા છે. તો વળી તુક્કલના કારણે આગ લાગવાના બનાવો પણ બન્યા છે. પરંતુ પોલીસ કે અન્ય તંત્રોને કોઇ જ ફરક ન પડતો હોય તેમ આ અંગે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. દરમ્યાન માંડવી પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી. માંડવીના સાંજીપડી વિસ્તારમાં પદમાણી પતંગ સ્ટોરમાંથી રૂા. 2300ની 23 ચાઇનીઝ ફિરકી જપ્ત કરી દર્શન દેવજી કસ્તુરીયા (ખારવા)ની અટક કરાઇ હતી. તેમજ હાલા મસ્જીદ પાસે આવેલી વિજય જ્વેલર્સમાં પણ પોલીસે છાપો માર્યો હતો. અહીંથી વિજય દિલીપ ભેડાની ધરપકડ કરી તેની દુકાનમાંથી રૂા. 8600ની 86 ચાઇનીઝ ફિરકી હસ્તગત કરાઇ હતી. વધુ એક કાર્યવાહી આઝાદ ચોકમાં કરવામાં આવી હતી. અહીં આઇ.એસ. ઓટો બ્રોકરની દુકાનમાંથી ઇશાક સિધિક મેમણની ધરપકડ કરી તેની પાસેથી રૂા. 400ની 10 ફિરકી કબજે લેવામાં આવી હતી. તેવું પોલીસે જણાવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer