175 કરોડના હેરોઇનના જથ્થા સાથે ઝડપાયેલા પાંચ પાકિસ્તાની જેલ હવાલે

ભુજ, તા. 13 : પાંચમી જાન્યુઆરીની મધ્યરાત્રિએ કચ્છની જળસીમામાંથી 175 કરોડ રૂપિયાની કિંમતના 35 કિલ્લો હેરોઇનના જથ્થા સાથે ઝમઝમ નામની બોટમાંથી પાંચ પાકિસ્તાનીઓને ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી લીધા હતા. આ આરોપીઓના છ દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે ભુજની અદાલતમાં રજૂ કરાતાં તેઓઁને પાલારા જેલ હવાલે કરાયા છે. આ કેસના તપાસકર્તા ગુજરાત પોલીસના ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ)ની ટીમે આજે ભુજની કોર્ટમાં કેફી દ્રવ્યોના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપી એવા પાકિસ્તાનના બાબા ઝઝીરા, કરાચીના અનિસ ઇસા ભટ્ટી તથા બીટ ઝઝીરાના ઇસ્માઇલ મોહમ્મદ કચ્છી, અશરફ ઉસ્માન કચ્છી, કરીમ અબ્દુલ્લા કચ્છી અને અબ્દુલ્લા અશરફ સુમરાને રજૂ કરતાં અદાલતે આ તમામ આરોપીઓને પાલારા જેલ ખાતે ધકેલી દેવા આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મસમોટા કેફી દ્રવ્યના જથ્થાની ડિલિવરી લેનારા વિશે ઝડપાયેલા આ આરોપીઓએ રિમાન્ડ દરમ્યાન આપેલી વિગતો મુજબ આગળ વધશે અને આગામી દિવસોમાં તપાસકર્તા એજન્સીઓ વધુ ધૂમધડાકા કરે તેવી સંભાવના જોવાઇ રહી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer