માણાબા-વાંઢિયા વાયર ચોરી પ્રકરણે બે આરોપી ઝડપાયા

ગાંધીધામ, તા. 13 : વાગડ પંથકના માણાબા અને વાંઢિયા ગામની સીમમાં પવનચક્કીના વાયર ચોરી પ્રકરણમાં એલ.સી.બી.એ બે શખ્સની અટક કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂા. 81,290ના વાયર જપ્ત કરાયા હતા. રાપરના માણાબા તથા ભચાઉના વાંઢિયા ગામની સીમમાં આવેલી પવનચક્કીના વાયરની ચોરીના બનાવો ગત વરસે બન્યા હતા. પવનચક્કીના વાયરની ચોરી, ડી.પી. વગેરેની ચોરીના આ બનાવોને અંજામ આપીને તસ્કરોએ પોલીસને રીતસર દોડાવી હતી. દરમ્યાન, આજે એલ.સી.બી.એ ચકાસરીવાંઢ, કીડિયાનગર સીમમાંથી મુકેશ દેવા કોળી અને રાપરના ત્રંબૌ ત્રણ રસ્તા પાસે રહેનારા કાસમ હુસેન કુંભારને પકડી પાડયા હતા. આ બંને શખ્સો પાસેથી ચોરીમાં ગયેલો વાયર 110 મીટર કિંમત રૂા. 81,290ને હસ્તગત કરાયો હતો. આ બંનેની પૂછપરછ દરમ્યાન તેમણે માણાબા અને વાંઢિયા ગામની સીમમાંથી આ વાયરની ચોરી કરી હોવાની કેફિયત પોલીસને આપી હતી. આ બંને સાથે અન્ય કોઇ છે કે કેમ? તથા અન્ય કોઇ ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ? તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer