યુવાની વેડફવાના બદલે સંશોધનમાં લાગી જવા શીખ

યુવાની વેડફવાના બદલે સંશોધનમાં લાગી જવા શીખ
ભુજ, તા. 13 : વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારત સંશોધનાત્મક કાર્યોમાં ઘણું પાછળ છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંશોધનાત્મક કાર્યો કરવા માટે વિવિધ યોજના અમલી બનાવી છે. ત્યારે સંશોધનથી સંતોષ માનવાના બદલે તેને નિરંતર રીતે આગળ ધપાવતા રહેવું જોઈએ તેવું ભુજ ખાતે કચ્છ યુનિ. સંલગ્ન કોલેજના છાત્રોને નમો ટેબ્લેટનું વિતરણ કરવા અહીં યોજાયેલા સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.ચૂડાસમાએ કહ્યું કે અગાઉ યુવાનોને ઈનોવેટિવ કાર્યો કરવા માટે યોગ્ય તક મળતી નહોતી પણ હવે આ સિનારિયો બદલી ગયો છે ત્યારે યુવાનોએ પોતાની યુવાનીનો અમૂલ્ય સમય વેડફવાના બદલે સમસ્યાનો સુવિધાયુકત ઉકેલ લાવી શકાય તેવી શોધ અને સંશોધન કરવા જોઈએ શિક્ષણમંત્રીએ કહ્યું કે વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ 3 વર્ષમાં રાજ્યના 6 લાખ સહિત કચ્છના 20,000થી વધુ છાત્રોને 1000 રૂપિયાના ટોકનદરે નમો ટેબ્લેટ અપાયા છે જેનો સકારાત્મક ઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. યુનિ.ના કોટ હોલમાં આયોજિત કાર્યક્રમમાં 26 છાત્રોને પ્રતિકાત્મક ટેબ્લેટ અપાયા હતા. ચાલુ સાલે અત્યાર સુધી પપ99 છાત્રોએ ટેબ્લેટ મેળવવા માટે નોંધણી કરાવી છે. ચાલુ સાલે 34 નવી માધ્યમિક શાળા મંજૂર કરાયાની વિગત પણ તેમણે આપી હતી. તો નખત્રાણાની જીએમડીસી કોલેજ બંધ કરવામાં નહીં આવે તેમ કહી સરકાર તેના કાયમી નિભાવ માટે આયોજન ઘડી રહી હોવાનું કહ્યું હતું.આરંભે સ્વાગત પ્રવચન કરતાં યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકિયાએ સમગ્ર આયોજનનો હેતુ જણાવી અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ યુનિ.ને વધારે મહેકમ મળે તેવી માગણી કરી જો નવા અધ્યાપકો મળે તો ભાષા, વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની તૈયારી દેખાડી હતી. આ અવસરે શિક્ષણમંત્રીના હસ્તે પ્લાસ્ટિક વેસ્ટ અને થર્મલ પાવરના ફલાય એશમાંથી બ્રિક્સ બનાવનારા અર્થ એન્ડ એનવાયરમેન્ટલ સાયન્સના ડો. મૃગેશ ત્રિવેદી તેમજ તેમની સાથેના છાત્રાનું સન્માન કરાયું હતું. આ બ્રિકસ વજનમાં હલકા પણ પેવર બ્લોકની તુલનાએ મજબૂત હોવાનું જણાવાયું હતું. તેમજ પ્લાસ્ટિકની માનવજીવન પર હાનિકારતા વિશે રિસર્ચ કરનારી આ જ વિભાગની ટીમ તેમજ ભાષા વિભાગના ડો. ભાવેશ જેઠવા, અંગ્રેજી વિભાગના કાશ્મીરા મહેતા અને હેતલબેનને રિસર્ચ પ્રોજેક્ટ માટે  તેમજ કેમેસ્ટ્રી વિભાગના ચિરાગ પટેલને પોલીમર હાઈબ્રિડ કમ્પોઝર માટે જ્યારે રસાયણ શાત્ર વિભાગના ડો. ગિરીન બક્ષી, વિજય રામ અને આરતી નામની છાત્રાનું સૂકી ખારેકને ડ્રાયફ્રૂટમાં તબદીલ કરવાનું સંશોધન કરવા બદલ સન્માન કરાયું હતું. સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, ઈન્ચાર્જ કુલસચિવ ડો. તેજલ શેઠ મંચસ્થ રહ્યા હતા. ઈ.સી.ના સભ્ય પ્રવીણ પિંડોરિયા સહિત વિવિધ વિભાગના ડીન, યુનિ.ના સ્ટાફગણ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

 
કુલપતિ-રજિસ્ટ્રારની નિમણૂક વેળાસર કરી દેવાશે 
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ યુનિમાં ખાલી પડેલી કુલપતિ અને રજિસ્ટ્રારની કાયમી નિયુક્તિ વેળાસર કરી દેવાશે તેવું પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું. સરકાર આ માટે ગંભીર હોવાનું કહ્યું હતું. કોંગ્રેસના આગેવાનઓઁ પણ આ મુદ્દે શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી હતી.     
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer