જુવારનો જોરાવર પાક માલધારીઓ માટે મોટી રાહત

જુવારનો જોરાવર પાક માલધારીઓ માટે મોટી રાહત
બાબુ માતંગ દ્વારા-
નિરોણા (પાવરપટ્ટી) તા. 13 : દુષ્કાળમાં માલધારીઓના મુલક કચ્છમાં મોટી સંખ્યામાં પશુધનના ચારા માટે આવા કપરા દિવસો જ્યારે જ્યારે આવીને ઊભા રહે ત્યારે કુદરત માલધારીઓની કસોટી એરણે મૂકે. ઘાસના તણખા માટે ભારે દોડધામ મચે. ઘાસની એક ગંઠડી (ગાંસડી) માટે લાઇનો લગાવી સંઘર્ષ કરવો પડે. એ પણ મુશ્કેલ બને ત્યારે માલધારી ઘરબાર છોડી પશુઓ સાથે હિજરત કરે પણ કઠિન સમય સાથે સંઘર્ષ કરવા અહીંનો માડુ પાછો પડે ખરો પણ જ્યારે કુદરત રીઝે, મેઘો મહેરબાન બને ત્યારે એ જ માલધારી ખેતરોમાં ધાન્ય પાકોને ઓછું મહત્ત્વ આપી ઘાસચારાના પાકોની પસંદગી પહેલી કરે. જેમાં કચ્છની ગુંદરી જુવારની વાવણી વ્યાપક બને છે. કારણ ધાન આપે અને પૌષ્ટિક ઘાસ (કડબ) લાંબા સમય સુધી સચવાઇ કામ લાગે. બસ એ જ હેતુસર હાલ લોરિયાના ખાવડા ફાટકથી માંડી ઉત્તરે બન્નીના રસ્તાની બંને બાજુ અને ઘાસિયા મેદાનો સુધી આ મબલક પાક મોટી ઊંચાઇએ પહોંચ્યા પછી હાલ કાપણી માટે મજૂરો ઓછા પડતાં યંત્રો કામે લાગ્યા છે. કચ્છના મોટા રણ કાંઠાળ પંથકના સુમરાસર (શેખ), લોરિયા, જતવાંઢ સહિતની ખેડવાણ જમીન વરસાદ આધારિત છે. સારું વરસ થાય તો આ જમીનોમાં રામમોલના પાક લેવાય. બાકી તો સૂકીભઠ્ઠ પડી રહે છે. ગત ચોમાસામાં સારા વરસાદને પગલે ચાંદફાર્મ, જતવાંઢ, લોરિયા સહિત રણને અડીને આવેલા ખેતરોમાં જુવાર જ જુવાર જોવા મળે છે. લોરિયા પોલીસ ચેકપોસ્ટથી ઉત્તરે ફંટાતા ખાવડા ફાટકથી સરહદ સાથે સાંકળતા રોડની બંને બાજુની જમીન જુવારના જોરાવર પાકોથી હરી-ભરી બની છે. તાજેતરમાં `કચ્છમિત્ર'ની ટીમ રણોત્સવનો ઠાઠ-માઠ જોવા આ રોડ પરથી પસાર થઇ ત્યારે ચારેક કિ.મી. સુધીના રોડની બંને બાજુ લોકોએ જુવારની કાપણીમાં ભારે વ્યાયામ આદર્યો હતો. ક્યાંક મહિલાઓ સહિત મજૂરો કાપણીમાં વ્યસ્ત હતા તો ક્યાંક ટ્રેક્ટરો પર યાંત્રિક કટ્ટર ગોઠવી કટિંગ કરતા નજરે ચડયા હતા. કટ્ટરથી કટિંગના કામ પર દેખરેખ કરી રહેલા સુમરાસર (શેખ)ના અગ્રણી કિસાન પાંચા લખણા આહીર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષો અછત જેવા પસાર થયા પછી માલધારીઓને ઘાસચારા માટે વેઠવી પડતી મહામુશ્કેલીને જોઇ ચાલુ ચોમાસામાં લોરિયા, સુમરાસર, જતવાંઢ, ચાંદફાર્મની અંદાજે 4500 એકરમાં નકોરી જુવારનું જ વાવેતર થયું છે. કુદરત પણ રાજી થઇ કારતક માસ સુધી મેઘમહેર જારી રહ્યા બાદ દાયકાઓ સુધી જોવા મળ્યો ન હોય તેવો અડીખમ જુવારનો પાક નિહાળી માલધારી લોકો ભારે ખુશ બન્યા છે. સામાન્ય રીતે ગુંધરી, સોલાપુરી અને ઠોઠડી જાતની જુવારના પાકમાં જાણીતી જાતો છે. આ પૈકી આ સમગ્ર પંથકમાં લોકો ગુંધરી જાતની જુવારનું જ વાવેતર કરેલું છે. આ જાતની જુવારના પાકની ઊંચાઇ, ગીચતા, ખોરામાં સ્વાદિષ્ટ અને ઉત્પાદનમાં ભારે ઉત્તમ ગણાય છે. આ પાકની ઊંચાઇ સામાન્યત: સાતથી આઠ ફૂટ જેટલી હોય છે, પણ હાલ આ પંથકની જુવાર તો 10થી 12 ફૂટની ઊંચાઇએ આંબે છે. જેને લઇ તેની લણણી મુશ્કેલ બનેલ હોઇ સીધી કાપણી કરી પછી ડુંડા લણવા શક્ય બનશે તેવું આ ખેડૂત જણાવે છે. ચોમાસા દરમ્યાન સતત પાલર પાણી અને અનુકૂળ હવામાનને જુવાર વધતાં તો વધી ગઇ પણ કાપણી માટે જાડા ગજાની જુવાર મુશ્કેલરૂપ બનતાં લોકો ટ્રેક્ટરો પર યાંત્રિક કટ્ટર લગાવી પંથકમાં શરૂ થયેલા કાપણીના કાર્યથી સમગ્ર વિસ્તાર ધમધમી ઊઠયો છે. કટ્ટરથી થતી કાપણી પાકને નુકસાનકર્તા હોવાનું સમજી કેટલાક લોકો દાતરડાથી કાપણી કરતા નજરે ચડયા હતા. સુમરાસરના ચાડ ખેંગાર રાણા પોતાના સમગ્ર કુટુંબને આ કામમાં લગાડયા છે તેમના કહેવા પ્રમાણે કટરની કાપણીમાં?ઝડપ ખરી નુકસાની પણ એટલી મજૂરોના અભાવે લોકો કટરથી કાપણી કરાવે છે. ગુંદરી જુવારના પાકનું ઉત્પાદન એકરે 500થી 600 થાય છે. એટલું જ નહીં સુકાયા પછી તેના કડબ તરીકે ઓળખાતો ચારો ખૂબ જ પૌષ્ટિક ગણાય છે. સૂકેલ જુવારના પૂળા બનાવ્યા બાદ કોઇ સુરક્ષિત જગ્યાએ પૂળાઓની કલાત્મક રીતે ગોઠવણી `કાલર' ઊભી કરવામાં આવશે જે વર્ષો સુધી સચવાયેલી રહી અછત જેવા વર્ષોમાં સચવાયેલી એ જુવાર પશુઓના ચારા માટે ભારે ઉપયોગી બની શકે છે.

 
મોટા રણ વચ્ચેની ખાનગી કંપનીએ પણ બન્નીના પશુઓ માટે જુવારનું વાવેતર કર્યું
નિરોણા, તા.13:ગત ચોમાસામાં સારા વરસાદને પગલે ભિરંડિયારાથી લઇ છેક ધોરડો સુધીના વિસ્તારમાં માલધારીઓ વાડાઓમાં ઘાસચારા માટે જુવારનું વાવેતર કર્યું છે. તો રણ વચ્ચે કાર્યરત એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. નામક ખાનગી કંપનીએ પણ અછતના સમયે સહયોગી બનવા સેંકડો હેકટર જમીન પર જુવારનું વાવેતર કરેલું છે. ધોરડોના મોવડી હાજી મિયા હુશેન મુતવાના જણાવ્યા મુજબ રણમાં આ કંપનીના પગરણ થયાં પછી બન્નીના લોકોની સુખાકારી માટે અનેક આયોજન કરી કંપની પોતાનું ઋણ અદા કરે છે. ગત ચોમાસામાં શ્રીકાર વરસાદને લઇ આ કંપની ધોરડો પંચાયત હસ્તકની 350 હેકટર જમીનમાં જુવારની વાવણી કરી છે. ઘાસિયા મેદાનોમાં થતાં ઘાસ કરતાં જુવારનો પાક ત્રણથી ચાર ગણો વધુ ઉત્પાદન આપતું હોઇ હાલ આ જુવારની કંપની  દ્વારા મજૂરો રાખી કાપણી કરવામાં આવી રહી છે. કાપેલી જુવારને સૂકવી તેને ગોદામોમાં સંગ્રહ કરવામાં આવશે. નબળા વર્ષોમાં આ ઘાસ ધોરડો પંચાયત હેઠળ આવતાં ધોરડો, પરગાર, ઉડો, સિણીયાડોના 2500 જેટલાં પશુઓને ચરિયાણ માટે વિતરણ કરવામાં આવશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer