લખપતના શરણાર્થી પરિવારો માટે દિવાળી

લખપતના શરણાર્થી પરિવારો માટે દિવાળી
વિશ્વનાથ જોષી દ્વારા-
દયાપર (તા.લખપત), તા.13 : લોકસભા અને પછી રાજ્યસભામાં પણ `કેબ'ને મળેલ મંજૂરીથી હવે રાષ્ટ્રપતિની સહી બાદ કાયદો બનશે અને શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે. આ સમાચારને સાંભળી 15 વર્ષથી વિઝા લંબાવીને વસવાટ કરતાં શરણાર્થી પરિવારોમાં ખુશીની લહેર ફેલાઈ છે. લાંબી વિઝા બાદ હવે આ ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવી આશા આખરે પૂર્ણ થઈ છે. લખપત તાલુકામાં નવાનગર, કોરીયાણી, કપુરાશી, સોનલનગરમાં શરણાર્થીઓની મોટી સંખ્યા છે પણ 1971માં આવેલા પરિવારોને 1978માં નાગરિકતા પ્રાપ્ત થઈ ગઈ હતી. તાલુકા પંચાયતની ચૂંટણીમાં અહીંથી વિજેતા બનેલા શરણાર્થી પરિવારના જવાહરલાલ રામદયા ચૂંટાઈને તાલુકા પંચાયતના સભ્ય બન્યા હતા તો સમરથદાન ગઢવી તા.પં.ના ઉપપ્રમુખ અને ઓમપ્રકાશ રાજગોર પાન્ધ્રો ગ્રા.પં.ના સરપંચ પણ બન્યા. નાગરિકતા મળી ગયા પછી વિવિધ સુવિધા પ્રાપ્ત થઈ પરંતુ 1982માં આવેલા પરિવારોને ઘણું કષ્ટ ભોગવવું પડયું હતું.  આ બાબતે તા.પં.ના પૂર્વ સદસ્ય જવાહરલાલ રામદયાએ માહિતી આપતાં કહ્યું હતું કે, 1982માં શરણાર્થી તરીકે 10 હજાર પરિવારો આવ્યા હતા. છતાં ભારતની નાગરિકતા મેળવવામાં કાપરા ચઢાણ ચડવા પડયા. સતત 15 વર્ષ સુધી પત્ર વ્યવહાર અને કાગળિયા પૂરા કરવામાં નીકળી ગયાં જ્યારે અટલબિહારી વાજપેયી વડાપ્રધાન અને લાલકૃષ્ણ અડવાણી ગૃહપ્રધાન બન્યા ત્યારે અંદાજે વર્ષ 2000ની આસપાસ 2000થી 2003 વચ્ચેના ગાળામાં આ પરિવારોને પણ નાગરિકતા મળી અને તે સમયે કલેક્ટરને સત્તા આપવામાં આવી એટલે સરળ બન્યું. હાલમાં પણ 200 પરિવારો મોરબી અને તેની આસપાસ રહે છે. આ પરિવારો લાંબી વિઝાથી રોકાયેલાં છે. પાકિસ્તાનના મીઠી, પારકર સિંધ વિસ્તારથી આ પરિવારો મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર એટલા માટે રોકાયાં છે કે કચ્છમાં વિઝા પર પ્રતિબંધ છે. કચ્છમાં રહી ન શકે તેથી પોતાના સગાવ્હાલા કચ્છમાં હોવા છતાં આ પરિવારોને મોરબી, રાજકોટ,જોધપુર રહેવું પડે છે. કારણ કે સરહદના ગામડાઓમાં વિઝા મળતી નથી. અહીં તેઓ આવી પણ નથી શકતાં. પોતાના બનેવી કિશનજી સેવડના 4 ભાઈઓના પરિવારના 15 સભ્યો છે. 12 વર્ષથી રાજસ્થાનના જોધપુરમાં વસવાટ કરે છે. તેઓ પાકિસ્તાનના સિંધ સીમાએ આવેલ અરજક ગામના વતની છે. વિઝા જોધપુરના મળતાં 12 વર્ષથી આ પરિવાર કડિયા કામ કરે છે. હવે જ્યારે ભારતીય નાગરિકતા પ્રાપ્ત થશે ત્યારે અતિ આનંદ થાય. વિઝાની મુશ્કેલીઓ દૂર થાય કારણ કે આમાં ઘણીવાર લાંબી વિઝાને સરકાર ડીપોર્ટ કરતી હોય છે અને તેવા પરિવારોને પરત જવું પડે છે. તાલુકાના કોરીયાણી ગામના રેવાશંકર શ્રીમાળી પતિ-પત્ની અહીં 1982માં આવ્યા, બનાસકાંઠામાં રહ્યાં. તેમના સગાસંબંધીઓ કોરિયાણી અને ઘડુલીમાં છે. વિઝા રિન્યુ થતી ગઈ પરંતુ 15 વર્ષ પછી બી ફોર્મ ન ભરાયું, રીન્યુ ન થતાં આ પરિવારને નાછૂટકે પરત પાકિસ્તાન જવું પડયું હતું. મોરબી, રાજકોટ, વિસ્તારમાં 350 પરિવારો લાંબી વિઝાથી વસવાટ કરી રહ્યા છે. જેના સગાસંબંધીઓ કપુરાશી નવાનગર વિસ્તારમાં છે પરંતુ વિઝા મોરબી-રાજકોટની હોતાં અહીં આવી શકતા પણ નથી અન્યથા પોલીસ પકડી જાય. હૈદરાબાદ સિંધ વિસ્તારમાં વસતા વિનોદ રામજી ઠાકોરે કે છેલ્લા 7 વર્ષથી અમદાવાદ ખાતે વેલ્ડીંગની દુકાન કરી છે. 7 વર્ષથી વિઝા લંબાવાતી જાય છે પણ ક્યારે અટકે તેવો ભય સતત રહે છે પરંતુ હવે નાગરિક્તા બિલની ખુશીમાં આ પરિવાર અતિઆનંદ પામ્યો છે. વિનોદ ઠાકોરનો ટેલિફોન પર સંપર્ક કરી તેને પુછ્યું કે નાગરિકતા બિલ મંજૂર થતાં કેવી ખુશી છે ત્યારે તેઓ આનંદમાં આવી ગયા હતા. અગાઉ અમને મિલ્કત ખરીદવામાં તેમજ કામ-ધંધા બધી વસ્તુમાં મુશ્કેલી નડતી હવે અમારા માટે તો ખરેખર દિવાળી છે. અમદાવાદ નરોડા વિસ્તારમાં અમારી સમાજના 50 પરિવારો છે જે છેલ્લા 7 વર્ષથી અહીં રહે છે. અમો બધાને ખૂબ આનંદ થયો છે. નવાનગરમાં રહેતાં ભીખાજી ખેતાજી અને હીરાજી ખેતાજી આ બન્ને ભાઈઓ વર્ષોથી અહીં રહે છે પરંતુ તેમના ભાઈ મુળાજી ખેતાજી હાલમાં એટલે કે 8 વર્ષ પહેલાં 4 પરિવાર જેમાં ત્રણ દીકરા પરણેલા કુલ 15 સભ્યોનો આ પરિવાર મોરબી રહે છે. હવે જ્યારે ભારતીય નાગરિકતા મળશે ત્યારે મુળાજી ખેતાજી નવાનગરમાં ભાઈઓ સાથે આરામથી રહી શકશે. આ પરિવાર કહે છે કે વર્ષોથી પ્રયત્નો કરીએ છીએ પણ તેની એટલી લાંબી પ્રક્રિયાથી કંટાળી ગયાં છીએ જે એક ઝાટકે સરકારે નિર્ણય લેતાં આનંદ થયો છે. આવા તો અનેક પરિવારો છે જેમની મોટી સમસ્યા જાણે હવે હલ થઈ ગઈ છે. દિલ્હી, જોધપુરમાં 110 શરણાર્થીઓના કેમ્પ છે. તો બાડમેર, ચોહટન, અલવર વિગેરે વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં શરણાર્થી પરિવારો વસવાટ કરે છે તેઓને પણ નાગરિકતાનો લાભ હવે મળશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer