ભાજપના સ્ટેજ નીચે જ ગટરના પાણી વહ્યા

ભાજપના સ્ટેજ નીચે જ ગટરના પાણી વહ્યા
ભુજ, તા. 13 : શહેરના હોસ્પિટલ રોડ ચાર રસ્તા નજીક યોજાયેલા પ્રતિમા અનાવરણ કાર્યક્રમ સમયે ભુજ સુધરાઇના શાસકોનો નાક કાપતી ઘટના બનતાં જાગૃત શહેરીજનો બોલી ઊઠયા હતા કે, હવે તો હદ કહેવાય. રાજ્યના શિક્ષણમંત્રી સહિતના જે સ્ટેજ પર બિરાજમાન હતા તેની નીચેથી જ ગટરનાં પાણી વહેતાં હતાં. ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એક તરફ રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ હતી જ્યારે બીજી તરફ કાર્યક્રમ સ્થળ નજીકના માર્ગે જ ગટરનાં પાણી ફરી વળ્યાં હતાં. ભાજપના મોવડીઓ ઉદ્દબોધન કરતા હતા અને આમ નાગરિકો નાકે રૂમાલ આડો દઇ પસાર થઇ રહ્યા હતા. નવાઇની વાત તો એ છે કે, રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમા, સાંસદ વીનોદભાઇ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રાસિંહ જાડેજા, પ્રદ્યુમનાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, જિ.પં. પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા, સહિતના રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિમાં જ માર્ગો પર દુષિત પાણી ફેલાતાં સુધરાઇના શાસકોની નબળાઇ સામે પક્ષમાં નારાજગી ફેલાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ખૂદ સુધરાઈ અધ્યક્ષા લતાબેન સોલંકી તથા કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા પણ ઉપસ્થિત હતા. જો કે, આ માર્ગે પસાર થતાં નાગરિકોએ તો એવો મેણો પણ માર્યો હતો કે, પક્ષના મોવડીઓ માટે તો આ સમસ્યા આજ પૂરતી હશે પણ આમ નાગરિકો માટે તો કાયમી છે. જો કે, આ અંગે સુધરાઇમાં તપાસ કરતાં એક તરફ ગટરલાઇન ચોકઅપ છે અને કામગીરી ચાલુ છે ત્યાં આજે પાણીની સપ્લાય દરમ્યાન લાઇન તૂટી હોવાથી ગટર મિશ્રિત પાણી માર્ગો પર ફરી વળ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer