કચ્છ યુનિ.માં હવે તો કાયમી કુલપતિની નિમણૂક કરો

કચ્છ યુનિ.માં હવે તો કાયમી કુલપતિની નિમણૂક કરો
ભુજ, તા. 13 : એક વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં કચ્છ યુનિ.ને હજુ સુધી કાયમી કુલપતિ મળ્યા નથી, ત્યારે યુનિ.ની મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સમક્ષ પૂર્વ સેનેટ સભ્યોએ કુલપતિની નિમણૂક સહિતના કનડતા પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સમક્ષ કોંગ્રેસના અગ્રણીઓએ કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષથી ખાલી પડેલી કુલપતિની જગ્યા ભરવા ઉપરાંત લાંબા સમયથી ખાલી પડેલ રજિસ્ટ્રાર, એકાઉન્ટન્ટ, નોન ટીચિંગ સ્ટાફ સહિતનાની તાકીદે નિમણૂક ઉપરાંત કચ્છમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પૂરવા સહિતના કચ્છના શિક્ષણને સ્પર્શતા પ્રશ્નોની આવેદન પાઠવી રજૂઆત કરી હતી. પૂર્વ સેનેટ દીપક ડાંગર અને ડો. રમેશ ગરવાએ શિક્ષણ મંત્રીને કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિની જગ્યા અંદાજિત કેટલા સમયમાં ભરવામાં આવશે એ બાબતની રજૂઆત કરતાં ખુદ શિક્ષણમંત્રીને પણ કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિની જગ્યા ક્યારે ભરાશે ? કે નહીં ભરાય તે બાબતે અજાણ હોવાની વાત કરી હતી. કોંગ્રેસ વિદ્યાર્થી પાંખના અગ્રણીઓ કાર્તિક પઈ, મિલન વાળા, ભરત આહિર, કરણસિંહ જાડેજા, હાર્દિક લાડુમોર, ધ્રુવ સુથાર સહિતના વિદ્યાર્થી અગ્રણીઓ રજૂઆત સમયે જોડાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer