સુવિધા કેન્દ્રે અરજદારોની વધારી રહ્યા છે દુવિધા

ભુજ, તા. 13 : રાજ્ય સરકારના આદેશથી કચ્છમાં પણ વહીવટીતંત્ર દ્વારા વિવિધ સ્થળે અલગ-અલગ કામગીરી કરવા સંદર્ભે અરજદારોને સહાય કરવા માટે સુવિધા કેન્દ્ર કાર્યરત કરાયા છે, પણ આ સુવિધા કેન્દ્ર સુગમતા વધારવાના બદલે ઊલટાની દુવિધા વધારી રહ્યા હોવાનું હાલની સ્થિતિ પરથી ઉભરીને સામે આવતું દેખાઈ  રહ્યું છે.જનસેવા કેન્દ્રમાં રાશનકાર્ડ, વિવિધ પ્રકારના દાખલા કઢાવવા, ઈ-ધરા શાખામાં 7-12 અને 8-અની નકલ કાઢી આપવા, નવા આધારકાર્ડ બનાવવા કે તેમાં સુધારો-વધારો કરી આપવા, તદુપરાંત સંચાર નિગમ, વીજતંત્ર તેમજ અન્ય ઘણાખરા વિભાગમાં ગ્રાહક સુવિધા કેન્દ્ર કાર્યરત કરાયા છે. જો કે મોટા ભાગના કિસ્સાઓમાં અરજદારોની એક ફરિયાદ સર્વસામાન્ય એ જોવા મળે છે કે, મોટા ભાગે આવા કેન્દ્રોમાં જવાબદારો હાજર હોતા જ નથી અને જો હોય તો કામો વ્યવસ્થિત ન કરાવી ઊલટાના આમથી તેમ ધક્કા ખવડાવી દુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે.કેટલાક અરજદારોએ પોતાની વ્યથા વર્ણવતાં કહ્યંy કે મોટા ભાગની કામગીરી હવે ઓનલાઈન થતી હોવાના કારણે આમેય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને તો હાલાકી વેઠવી પડે જ છે. તેમાં વળી અરજદારોની સુગમતા માટે બનાવાયેલા આવા સુવિધા કેન્દ્રેમાં કામો થતા જ નથી, તેમાં આ બાબત બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે.  એક તરફ સરકાર મોડેલ જનસેવા કેન્દ્ર બનાવવાની મોટી સૂફિયાણી વાતો કરે છે. ભલે તે સારી બાબત છે, પણ હાલમાં જે સુવિધા ઉપલબ્ધ છે તેમાં પણ અરજદારોને સંતોષ થાય તેવી કામગીરી થતી જ નથી. ખરેખર તો પહેલાં સુવિધા કેન્દ્રની સ્થિતિમાં સુધારો લાવવો જોઈએ તે પછી જ અન્ય કોઈ વિચાર કરવા જોઈએ તેવો મત પ્રવર્તતો જોવા મળી રહ્યો છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer