મહેસૂલી કર્મચારીઓની હડતાળથી અરજદારો રખડયા

ભુજ, તા. 13 : સોમવારથી શરૂ થયેલી મહેસૂલી કર્મચારીઓની હડતાળના આજે પાંચમા દિવસે પણ કોઇ ઉકેલ નહીં આવતાં કચ્છની કલેક્ટર કચેરીથી માંડી તમામ મહેસૂલી કચેરીમાં અરજદારોને ફોગટના ધક્કા પડી રહ્યાની ફરિયાદ ઊઠી છે.પોતાની માગણીઓને લઇ કચ્છમાં કલાર્ક હડતાળ ઉપર છે. આમેય મહેસૂલી કામો માટે લોકોને ખૂબ જ રાહ જોવી પડે છે તેવામાં હડતાળના કારણે અરજદારોની ફાઇલો અટવાઇ ગઇ છે. સોમવારથી ભુજની સબ રજિસ્ટ્રાર કચેરીમાં રોજ ધક્કા ખાતા એક મહિલા અરજદારે કહ્યું કે મને દસ્તાવેજ કરાવવાનો છે, મિલકત વેચાઇ ગઇ છે. બસ બધું તૈયાર છે પણ હડતાળ ચાલતી હોવાથી દસ્તાવેજની નોંધણી અટકી પડી છે. અમે એક જગ્યાએ નાણાં ચૂકવવાના છે, પણ દસ્તાવેજ થાય અને સામે પાર્ટી પાસેથી પૈસા મળે તો ચૂકવી શકીએ પણ તે થતું નથી. આ તો એકમાત્ર ભુજની હાલત છે. આવી કચ્છની તમામ કચેરીઓમાં સ્થિતિ છે. કલેક્ટર કચેરીમાં પણ રોજ-બરોજની સેંકડો ફાઇલો આગળ વધતી નથી, અટકેલી પડી છે. વળી જે-તે વિભાગનો હવાલો સંભાળતા મહેસૂલી કર્મચારીઓના કોમ્પ્યુટર ઉપર અંગત પાસવર્ડ અને અંગૂઠા આપવાના હોય છે પછી તે ખૂલી  શકે પણ ખુદ કર્મચારી ઓફિસમાં નથી આવતા એટલે કામ કોઇના થતા નથી. રાજ્ય કક્ષાએ વાટાઘાટ હજુ થઇ નથી એટલે હડતાળ લાંબી ચાલે તેવી સ્થિતિ છે. ખુદ કલેક્ટર પણ લોકોને હાલાકી ન થાય એ માટેના પ્રયાસમાં વ્યસ્ત હતા. બીજીબાજુ કર્મચારી મંડળના પ્રમુખ પીરદાનસિંહ સોઢાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, આજે પાંચમા દિવસે અમારા ધરણા ચાલુ રહ્યા હતા. વાટાઘાટ નથી થઇ એ વાતને સમર્થન આપ્યું હતું. અરજદારોને ધક્કા પડતા હોવાની વાતને સમર્થન આપતાં કહ્યું કે, દસ્તાવેજ કે કોઇ અગત્યના કામો માટે આવતા લોકોના કામ થતા નથી એ સાચી વાત છે, પણ વધારાની કામગીરી રેવન્યૂ તલાટીને સોંપવામાં આવી છે. શક્ય એટલા કામો કરવાના પ્રયાસો તંત્ર કરે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer