ભુજમાં વહીવટી તંત્રે 1 હજારથી વધુ દબાણ તારવ્યાં

ભુજ, તા. 13 : શહેરમાં બેએક માસ પૂર્વે મોટા ઉપાડે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાયા બાદ એકાએક તેના પર રોક આવી ગઈ હતી. જો કે, હવે ફરીથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવા માટે તંત્રે આળસ ખંખેરી છે. પ્રાંત અધિકારીના આદેશથી શહેરમાં વોર્ડવાઈઝ દબાણો તારવવાનું શરૂ કરાયું છે અને અત્યાર સુધી 1000 જેટલા દબાણો અલગ તારવી  દેવાયાં હોવાનું એડિશનલ કલેક્ટર મનીષ ગુરવાણીએ વિગત આપતાં જણાવ્યું હતું.ભુજ પ્રાંત સાથે ભાડાના મુખ્ય કારોબારી અધિકારીનો હવાલો ધરાવતા શ્રી ગુરવાણીએ કહ્યું કે, બે માસ પહેલાં એટલે કે દિવાળી પહેલાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાયા બાદ કેટલાક વહીવટી કારણોસર આ પ્રક્રિયા અટવાઈ ગઈ હતી. જો કે, હવે તમામ પાસાં સાનુકૂળ થવા લાગતાં આ ઝુંબેશ ફરી છેડવા માટેની ગતિવિધિને આગળ ધપાવાઈ છે.  સિટી સર્વે વિભાગને તેમના તાબા હેઠળ આવતા વોર્ડમાં રહેણાક, કોમર્શિયલ કે અન્ય કોઈ પણ પ્રકારનાં દબાણ દેખાય તો તેને અલગ તારવી તે અંગેનો દૈનિક કામગીરીનો અહેવાલ રજૂ કરવા જણાવી દેવાયું છે. હાલ ચાલી રહેલી સર્વેની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધી 1000 જેટલાં દબાણો તો તારવી લેવાયાં છે. હજુ આ કામગીરી જારી રહેશે. સૂચિત સર્વે સિટી સર્વે હેઠળ આવતા વોર્ડમાં કરવામાં આવી રહ્યો છે. દબાણ હટાવ ઝુંબેશ ફરી ક્યારે હાથ ધરાશે તે બાબતે પૂછતાં પ્રાંત અધિકારી શ્રી ગુરવાણીએ જણાવ્યું કે, રવિવારથી 2 દિવસ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ધોરડોના સફેદ રણની મુલાકાતે આવી રહ્યા છે. પ્રશાસન હાલમાં આ માટેની તૈયારીમાં પરોવાયેલું હોતાં એકાદ અઠવાડિયા પછી સિટી સર્વે ઉપરાંત સિટી મામલતદાર, ભાડા, નગરપાલિકા પોલીસ તંત્રને સાથે રાખી સંયુક્ત ઝુંબેશ છેડશે. જાગૃત નાગરિકોએ જણાવ્યું કે, દર વખતે દબાણ હટાવની કામગીરીમાં આરંભે શૂરાનો ઘાટ સર્જાતો હોય છે, તેનું આ વખતે પુનરાવર્તન ન થાય તે જોવું મહત્ત્વનું બની રહેશે.  

પાર્કિંગ પ્લોટ મુદ્દે કોકડું ગૂંચવાયેલું   શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરવા પાછળ પાર્કિંગના અભાવને કારણભૂત ગણાવાય છે. થોડા સમય પહેલાં પાર્કિંગ હેતુ માટે મંજૂર થયેલી જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ કરાયાનું ધ્યાને ચડતાં 6 મિલકતધારકોને નોટિસ પાઠવાયા બાદ 3 મિલકતધારકે પાર્કિંગ માટે જગ્યા ખાલી કરી દીધી હતી. 2 ખાનગી બેન્કને નોટિસ પાઠવાઈ, તેઓ તો ભાડા પર હોતાં કોકડું હજુ ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે.   <

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer