ગાંધીધામમાં એસ.ઈ.ઝેડ. દ્વારા કરાતું દબાણ

ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ સંકુલમાં સબ ભૂમિ ગોપાલ કી કહેવત મુજબ વગદારોએ ઠેર ઠેર દબાણો કરી સોનાની લગડી જેવી જમીનો પચાવી  પાડી છે, એ તો  ઠીક હવે કેન્દ્ર સરકારની કચેરી દ્વારા જ દીનદયાળ પોર્ટ પ્રશાસનની મંજૂરી વિના જ પોર્ટની માલિકીની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ શરૂ કરી દેવાયું  હોવાનું બહાર આવ્યું છે આ અંગે મળતી વિગતો મુજબ કંડલા સેઝ પ્રશાસન  દ્વારા આગામી 1 જાન્યુઆરીથી ઝોન પરિસરની અંદર નોન મોટરેબલ એટલે કે બેટરી ઓપરેટેડ વાહનો કે સાઈકલ જ ચલાવવા નિર્ણય કરાયો છે તેમજ 1 તારીખથી કાર અને દ્વિચક્રી વાહનોને ઝોનની બહાર પાર્ક કરીને રાખવાના રહેશે. તેમજ કંપનીના માલિકો, કર્મચારીઓ અને અન્ય લોકોને આવન-જાવન માટે નવો ગેટ બનાવવામાં આવ્યો છે. જૂના ગેટથી નવા ગેટ સુધી જવા માટે સિમેન્ટનો  રોડ બનાવવામાં આવ્યો છે. હાલ કાસેઝ પ્રશાસન દ્વારા નવા ગેટ પાસે કાર, બાઈક, સ્કૂટર સહિતનાં વાહનોનાં પાર્કિંગ માટે પાર્કિંગ સાઈટ બનાવવામાં આવે છે. આ પાર્કિંગમાં 4 હજાર જેટલા  દ્વિચક્રી વાહનો અને 400 જેટલી કાર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. અત્યંત આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઝોનના પ્રવેશદ્વાર બહારની જમીનોની દીનદયાળ પોર્ટની માલિકી છે અને રોડ બનાવતાં પૂર્વે કે પાર્કિંગ માટેની સાઈટ બનાવવા માટે ઝોન પ્રશાસને મંજૂરી વિના જ આ કામ શરૂ કરી દીધું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ અંગે ડીપીટીના સંબંધિતોનો સંપર્ક સાંધતાં તેઓએ આ કામ માટે કોઈ મંજૂરી માગવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. ઝોન પ્રશાસન દ્વારા પર્યાવરણના નામે મંજૂરી વિના કામ શરૂ કરી દેવાતાં લોકોમાં આશ્ચર્ય પ્રસર્યું છે. ઝોનના ગેટની બહાર તમામ જમીનો ડીપીટી હસ્તકની છે.ઝોનના ગેટની બહાર ઘણા દિવસો પહેલાં સિમેન્ટ રોડ બની ગયો અને પાર્કિંગ માટેની કામગીરી ચાલી રહી છે, ત્યારે  આ બાબત ડીપીટી પ્રશાસનની જાણ બહાર હોય તે વાત અશક્ય હોવાનું સૂત્રો  જણાવી રહ્યા છે. પોર્ટ પ્રશાસન દ્વારા આ મામલે ત્વરિત જરૂરી કાર્યવાહી કરાય તે સમયની માંગ હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer