ગાંધીધામ પાલિકાના કચરાના વાહનોને ફરી વાડા પાસે અટકાવાતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના વાડા ગામ નજીક ગાંધીધામ નગરપાલિકાને ડમ્પિંગ સાઈટ માટે જમીન ફાળવાઈ ત્યારથી વિવાદ ચાલ્યો આવે છે. દરમ્યાન આજે ફરી પાલિકાના વાહનો રોકી લેવાતાં પાલિકાએ આ  અંગે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરી હતી. અહીંની નગરપાલિકાને વાડા નજીક જિલ્લા કલેકટર દ્વારા ડમ્પિંગ સાઈટ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી. આ જમીન ઉપર થોડા દિવસ કચરો ઠલાવ્યા બાદ આ અંગે ગામ લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને બાદમાં પાલિકાના વાહનો પણ રોકી દેવાયા હતા. જે તે વખતે આ વાહનો બાદમાં જવા દેવાયા હતા. દરમ્યાન આજે ફરીથી અહીંની પાલિકાના વાહનો અમુક  લોકોએ રોકાવી આ વાહનોને જવા ન દેવાતાં પાલિકામાં દોડધામ થઈ પડી હતી. સમજાવટ છતાં કોઈ નિર્ણય ન આવતાં મુખ્ય અધિકારીએ પૂર્વ કચ્છ પોલીસવડાને લેખિતમાં ફરિયાદ કરી હતી અને સરકારી ફરજમાં રુકાવટ તથા ધાકધમકી અંગે ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં વાહનો મુક્ત કરાવવા અને પોલીસ બંદોબસ્ત આપવા પણ અપીલ કરવામાં આવી હતી.  કચરાનું એકત્રિકરણ કરવા અને તેનો નિકાલ આ સંકુલ માટે માથાનો દુ:ખાવો થઈ પડયો છે. ત્યારે આ પ્રકરણમાં ત્વરિત કોઈ નિર્ણય લેવાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer