નખત્રાણા તા.માં આરોગ્ય વિભાગમાં સ્ટાફ ઘટથી હાલાકી ભોગવતા લોકો

રવાપર (તા. નખત્રાણા), તા. 13 : રાજ્યની સાથે કચ્છભરમાં માંદગીએ કેર વર્તાવ્યો છે ત્યારે હાલ ડેંગ્યુ જેવી ગંભીર બીમારીને પગલે અનેક યુવાન જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઇ રહી છે છતાં પણ કચ્છનું આરોગ્ય અને વહીવટી તંત્ર માત્ર સિઝનના શિયાળામાં બીમારી ઓછી થઇ જવાની આશા સેવી રહ્યું છે. છેલ્લા એક માસથી આ બીમારીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કોઇ ફોગિંગ કે પૂરતા પ્રમાણમાં સ્ટાફની જગ્યા કે ટેકનોલોજીનો ઉપયોગ ન કરી માનવજિંદગી સાથે ચેડાં થઇ રહ્યાની જિલ્લા સમાહર્તાને પત્ર લખી તા.પં. વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઇ રૂપારેલે ફરિયાદ કરી હતી. જેમાં વધુમાં જણાવ્યું હતું કે, તાલુકા સહિત ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે પૂરતો સ્ટાફ અને ટેકનોલોજી ન હોઇ તાલુકા અને જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલ ફુલ છે તો પ્રથમ તપાસણીથી રિપોર્ટ જેવી બાબતે રૂા. 2500થી 5000 ફી લાગી રહી છે, જેમાં પણ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાય તો ડેંગ્યુ જેવા તાવ માટે 50 હજારની રકમ લાગી રહી છે. વિવિધ કાર્ડ હોવા છતાંય તે અમુક મર્યાદામાં જ ચાલે છે ત્યારે નાના વર્ગના લોકોને સારવાર મળે તે પૂર્વે જીવનદીપ બુઝાઇ જાય છે. સરકારી તાયફામાં વ્યસ્ત આ સરકાર લોકોના આરોગ્ય જેવા ગંભીર પ્રશ્ને વહેલી તકે કાર્યવાહી હાથ ધરે અન્યથા આ પ્રશ્ને લોકોને સાથે રાખી ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer