કચ્છ કલેકટર ચાર મહિનામાં બદલ્યા

કચ્છ કલેકટર ચાર મહિનામાં બદલ્યા
ગાંધીનગર, તા. 12 : કચ્છના કલેકટર સહિત રાજ્યના 26 સનદી અધિકારીની બદલી કરાઈ છે. કચ્છના સમાહર્તા તરીકે નાગરાજન એમ.ના સ્થાને સાબરકાંઠા-હિંમતનગરથી પ્રવીણા ડી.કે.ને મુકાયા છે. જ્યારે નાગરાજનને ઉચ્ચ શિક્ષણ, ગાંધીનગરના નિયામક બનાવાયા છે. બંદર અને માર્ગ પરિવહનના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે જેમની કામગીરી નોંધપાત્ર લેખાતી હતી એ સુનયના તોમરની ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં બદલી કરાઈ છે અને સરકારના સામાન્ય વહીવટ વિભાગ (કર્મચારી)ના અગ્રસચિવ કમલ દમાણીને બંદર અને માર્ગ પરિવહનનો હાલપૂરતો હવાલો સોંપાયો છે. ઉલ્લેખનીય છે કે, નાગરાજન ચાર મહિના પહેલાં જ કચ્છના કલેકટરપદે મુકાયા હતા. સરળ સ્વભાવના નાગરાજને ટૂંકાગાળામાં સારી છાપ છોડી છે.  તેમણે દબાણ હટાવ ઝુંબેશ અને ખનિજ ચોરી ડામવા અસરકારક પગલાં ભરવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં તેમણે પવનચક્કીથી સ્થાનિક પર્યાવરણને થતાં નુકસાનની નોંધ લઈને વિન્ડ મિલોને સરકારી જમીન આપવા પર રોક લગાવી દીધી હતી. તેમની બદલીથી જિલ્લામાં આશ્ચર્ય ફેલાયું છે.  કચ્છમાં અગાઉ કલેકટરપદે રહી ચૂકેલા અને સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં અગ્રસચિવ કમલ દયાની આઈએએસ બદલીઓથી ખાલી પડેલો સુનયના તોમર પાસે રહેલો બંદર અને પરિવહન વિભાગનો અગ્રસચિવનો હવાલો પણ સંભાળશે. કચ્છમાં હોદ્દો સંભાળી ચૂકેલા અને હાલમાં વેરાવળમાં મદદનીશ કલેકટર નીતિન સાગવાનને સિનિયર સ્કેલમાં બઢતી મળી છે. તેઓની નિયુક્તિ અમદાવાદ મહાપાલિકામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે થઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer