કચ્છના ખેડૂતો પર કમોસમી વરસાદ રૂપી આફત

કચ્છના ખેડૂતો પર કમોસમી વરસાદ રૂપી આફત
ભુજ, તા. 12 : ગઇકાલથી વાતાવરણમાં પલટો આવતાં ઠેર ઠેર કમોસમી વરસાદના ઝાપટા પડયા છે. આ કટાણાના વરસાદે ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધારી છે. ચાલુ વર્ષે વધુ વરસાદ અને વારંવારના કમોસમી વરસાદના કપાસ સહિતના વિવિધ પાકોને નુકસાન થયા બાદ ખેડૂતો રવી પાક ઘઉં વાવવાની તૈયારીમાં પડયા છે ત્યારે માંડવીની કાંઠાળપટ્ટી ઉપરાંત રાપર તાલુકાના વિવિધ ગામો અને બન્ની-પચ્છમ તેમજ અબડાસા તાલુકામાં અચાનક આવી ચડેલા આ વરસાદથી ખેડૂતો વિમાસણમાં મુકાયા છે. કાંઠાળપટ્ટમાં ચોમાસાની યાદ તાજી થઇ માંડવી તથા આજુબાજુ વિસ્તારના કાઠડા, શિરવા, ગોધરા, નાના લાયજા, દુર્ગાપુર, વાડા, ભારાપર, ડોણ સહિતના વિસ્તારોમાં સવારે અગિયાર વાગ્યાના આસપાસ વાતાવરણ બદલાતા ગાજવીજ સાથે ચોમાસાની યાદ તાજી થાય તેવો માહોલ સાથે આ વિસ્તારના અંદાજીત 5થી 7 મિ.મી. જેવો વરસાદ વરસતા ખેડૂતો અને માલધારીઓમાં ચિંતાની લાગણી પ્રસરી હતી અનેક ખેડૂતોના પાકો જુવાર, મગ, મગફળીનો ચારા સહિત ખેતરોમાં પડયા છે ત્યારે આ વરસાદથી ઓચિંતા ચારો બચાવવા દોડતા થયા હતા તો અમુક ખેડૂતોએ ચારો ખરાબ થઇ ગયો હોવાનું પણ કહ્યું હતું. ખેતરોમાં પડેલો જુવારનો ચારો, ભૂતડીનો ચારો વગેરેને નુકસાની થતા ખેડૂતોને ભારે હાલાકી થઇ હતી. ગોધરામાં તલવાણા, જખણિયા, રાયણ, કોડાય, પિયાવા, પીપરી સહિત પંથકમાં કમોસમી ઝાપટાથી છૂટ પાણી વહી નીકળ્યા હતા. બિદડા અને આસપાસના પંથકમાં ઝાપટાથી  પાણી વહ્યા હતા. રાપરમાં તોફાની ઝાપટું આજે રાપરમાં સવારથી વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું હતું. આકાશ વાદળછાયું હતું તો બપોરના થોડી ગરમી લાગતી હતી આવા વાતાવરણ વચ્ચે બપોરે અઢી વાગ્યે ઝરમર વરસાદ ચાલુ થયો જે ચાર વાગ્યે તોફાની ઝાપટાંરૂપે વરસ્યો હતો. રસ્તા ઉપરથી પાણી વહી નીકળ્યા હતા. ચોમાસું પાક બગાડનાર વરસાદ શિયાળામાં શું કરશે તેવો ઉચાટ ખેડૂતોમાં જોવા મળી રહ્યો હતો અત્યારે ઝાકળની જગ્યાએ વરસાદ પડતાં ધરતી પુત્ર ચિંતિત બન્યો હતો. માવઠાંથી ઠંડી વધે તેવું લાગી રહ્યું છે. ઉપરાંત આજુબાજુના ખેંગારપર સહિતના વિવિધ ગામોમાં કમોસમી વરસાદ થયાના હેવાલો મળી રહ્યા છે. તો  ખડીર વિસ્તારના રતનપર, કલ્યાણપર, જનાણ, ધોરાવીરા સહિતના ગામોમાં વરસાદ થતાં પાણી વહી નીકળ્યા હતા. આ કમોસમી વરસાદથી જીરું, એરંડા, ઘઉં, રાયડાનું વાગડ વિસ્તારમાં ખૂબ વાવેતર થયું છે તે પાકોને નુકસાન થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. રાપરમાં અંદાજે અડધા ઇંચ જેટલો વરસાદ થયાનું અનુમાન લોકોએ કર્યું હતું. અબડાસામાં ઊભો પાક ભીંજાયો અબડાસા વિસ્તારના કેટલાક  ગામોમાં કમોસમી માવઠું થયું હતું. તાલુકાના જખૌ બંદરીય વિસ્તાર, જખૌ, વાંકુ, પ્રજાઉ, નલિયા સહિતના ગામડાઓમા ઝાપટા સ્વરૂપે કમોસમી માવઠું થયું હતું. માવઠાના કારણે ખરવાડમાં પડી રહેલા મગ ઉપરાંત તલનો પાક ભીંજાયો હતો. વરસાદની માત્રા નહીંવત હતી પણ ખેડૂતોના પાકને હાનિ થઇ છે. બન્ની-પચ્છમમાં ચિંતા ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના ખાવડા સહિત પૂર્વ પટ્ટા `દેહ' તરીકે ઓળખાતા પૈયા આશારાપર સહિત આખા પટ્ટમાં બીજીવાર ખેડૂતો માટે આફતરૂપી કમોસમી વરસાદ પડતાં અચાનક ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. નાના-મોટા વોકળાઓ પાણીના વહેંણ રૂપી આવથી વહ્યા હતા. ખેડૂતોના સંગ્રહ કરેલા ધાન્ય તેમજ ચારાને ફરી ભારે નુકસાની વેઠવી પડી છે. તો પૈયામાં અમુક મકાનના નળિયા પણ ઉડયા હતા. પહેલા કમોસમી વરસાદથી ધાન્ય પાકના દાણામાં કાળો રંગ વધુ હોતા અને પલળેલા વધુ હોવાને કારણે હાલની સ્થાનિક બજારના વર્તમાન ભાવમાં આવા ગુવાર, મગ, મઠના ત્રણથી ચાર રૂપિયાના ભાવ ઓછા મળી રહ્યા છે. જેની નુકસાની  ધરતી પુત્રોને થઈ રહી છે. એક બાજુ પહેલા વરસાદથી નુકસાની પામેલા ખેડૂતોને સહાય ચૂકવાઇ નથી તેવામાં બીજીવાર આ આફતરૂપી વરસાદથી હવે ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે. હવે બાકી બચેલાં ધાન્ય પાકોના અનાજ વેચવામાં પણ ભારે નુકસાની વેઠવી પડશે કારણ કે હવે તો વેચાણમાં પૂરતા ભાવો પણ મળશે નહીં કે વેચાણ થશે નહીં તેવી દહેશત છે. આજે બપોરે અચાનક વાતાવરણ પલટાતા ઠંડા પવનની લહેરખી સાથે ખાવડામાં 13 મિ.મી. સહિત સમગ્ર પચ્છમ પંથકમાં અડધાથી કયાંક એક ઇંચ વરસાદી માવઠાની માર પડી અને ખેડૂતો, માલધારીઓ સાથે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બપોરે દોઢ વાગ્યે પડેલા વરસાદથી ખોરવાયેલો વીજ પુરવઠો સાંજે છ વાગ્યે પણ શરૂ થયો નહતો. મુંદરામાં છાંટા હવામાન વિભાગે માવઠાની આગાહી મુજબ વાતાવરણમાં આવેલા પરિવર્તનના કારણે મુંદરામાં છાંટા પડયા હતા. ધાબડિયા હવામાન તથા છાંટાના કારણે ઠંડીમાં વધારો થયો છે. વાંકી અને ધ્રબમાં સાધારણ છાંટાના સમાચાર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer