ચેરિયાં નિકંદન માટે ખરેખર જવાબદાર કોણ ?

ચેરિયાં નિકંદન માટે ખરેખર જવાબદાર કોણ ?
અદ્વૈત અંજારિયા દ્વારા-
ગાંધીધામ, તા 12 : દેશમાં પર્યાવરણને થઈ રહેલાં નુકસાન સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કડક રૂખ અપનાવ્યા બાદ ખાસ તો ગુજરાતના કાંઠાળ વિસ્તારોમાં પર્યાવરણ સુરક્ષા અર્થે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સી.આર.ઝેડ.)નું મેપિંગ કરવાના આદેશ છતાં આશ્ચર્ય વચ્ચે કચ્છ અને મોરબી જિલ્લાનું આવું મેપિંગ હજુ નહીં થતાં એકતરફ વિકાસ યોજનાઓને પર્યાવરણ મંજૂરી મળતી નથી, તો બીજી બાજુ વગદારો અને કેટલાક રાજકીય લોકો જમીનો પચાવી પાડી પર્યાવરણને વ્યાપક નુકસાન કરી રહ્યા છે. કચ્છ ઊંટ ઉછેરક મંડળે ભચાઉ તાલુકાના જંગી આસપાસના દરિયાકાંઠાની જમીનોમાં ચેરિયાં  નિકંદન મામલે એન.જી.ટી.નાં દ્વાર ખખડાવતાં મંગળ અને બુધવારે રાજ્યની ઉચ્ચ કક્ષાની સમિતિએ આ ક્ષેત્રની મુલાકાત લીધી. સમિતિએ ચેરિયાંના વ્યાપક નુકસાનની નોંધ લીધી, પરંતુ આવું થવા પાછળ ખરેખર કોણ જવાબદાર છે તે પોલીસ ફરિયાદ પછી પણ હજુ સામે આવ્યું નથી, જે આશ્ચર્યની બાબત છે. દરિયાકાંઠાની જમીનોમાં મીઠું પકવવું સૌથી આસાન વ્યવસાય હોવાથી કચ્છ તથા બાજુના મોરબી જિલ્લાની કાંઠાળ જમીનો લીઝ ઉપર મેળવીને આ વ્યવસાય ફુલ્યોફાલ્યો છે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના  ઉપક્રમ એવા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ જમીનોનો વહીવટ થાય છે. મહેસૂલી રાહે જોઈએ તો હજુ દરિયાકાંઠાની ઘણી જમીનો રાજ્યની છે કે કેન્દ્રની એય નક્કી નથી, પરંતુ તમામ જમીનોમાં કોઈ મીઠું પકાવી રહ્યું છે. 10-20 એકર જમીન લીઝ ઉપર મેળવ્યા પછી 100થી 150 એકર જમીન કેટલાક ઉદ્યોગકારો (જે વગદાર હોય)એ વાળી લઈને મીઠાંનો ઉદ્યોગ ધમધમાવ્યો છે. મીઠું પકવવામાં આડે આવતાં ચેરિયાં, રસ્તા બનાવવા વચ્ચે આવતી ક્રિકમાં બંડ ઊભા કરવા જેવી પ્રવૃત્તિ હાથ ધરાતાં દરિયાઈ વનસ્પતિ ચેરિયાંનું નિકંદન થવા માંડયું. વખતોવખત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે નવાં ચેરિયાંનું વાવેતર વન વિભાગના માધ્યમથી કરાવ્યું છે, પરંતુ જમીનોમાં થઈ રહેલી આ પ્રવૃત્તિ અટકાવવામાં ડીપીટી પ્રશાસન યેનકેન પ્રકારે નબળું પુરવાર થયું. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જંગીના મામલામાં તમામ બંડ તોડી નાખવા તથા ચેરિયાંનું પુન: વાવેતર કરવા આદેશ આપ્યા પછી પણ ગમે તે હોય આ કામગીરી ગતિ પકડી શકી નહીં. જેને  પરિણામે ગઈકાલે આવેલી ઉચ્ચકક્ષાની સમિતિએ આ બાબતની ગંભીર નોંધ લીધી. ડીપીટીના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કેટલાક વગદાર અને રાજકીય લોકોનાં દબાણને કારણે આ અંગે નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં પણ નામો આપવામાં તંત્ર ખચકાયું છે. જંગી સહિતની ડીપીટીની દરિયાઈ જમીનોમાં ચાલી રહેલી ગેરપ્રવૃત્તિ અટકાવવા ભૂતકાળમાં ગયેલી ડીપીટીની ટીમોને રીતસર દાદાગીરીનો સામનોય કરવો પડયો છે. જમીનોમાં પેશકદમી ન થાય તે માટે પ્રશાસને કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી નથી. ખાનગી એજન્સીના અનઆર્મ્ડ જવાનો સુરક્ષા કરી નહીં શકે તેવું સૌ સમજે છે. ખરેખર તો આ તમામ જમીનોની સુરક્ષા અર્થે ડીપીટી પ્રશાસને એસ.આર.પી. કે સી.આર.પી.નો સહારો લેવો જોઈએ, તેવું ખુદ ડીપીટીના આ વિભાગના કેટલાક કર્મચારીઓનું માનવું છે. તાજેતરમાં જ ડીપીટીએ કંડલા-તુણા રસ્તે બનાવેલો પાર્કિંગ પ્લોટ પણ કોઈ વગદારોએ દબાવી લીધો છે. આમ જમીનોની થઈ રહેલી ગેરકાયદે લૂંટાલૂંટ સમગ્ર સ્થિતિ માટે જવાબદાર છે. ડીપીટી પાસે જમીન વિભાગમાં સ્ટાફની મોટી અછત છે. એન્જિનીયર, જુનિયર એન્જિનીયરો ન હોવાથી આટલી વિશાળ જમીનોનો વહીવટ નબળો પડવો સ્વાભાવિક છે. તંત્ર આ દિશામાં ઝડપથી પગલાં ભરે તે ઈચ્છનીય છે.એન.જી.ટી. તાજેતરમાં કચ્છ આવેલી આ ટીમના અહેવાલ બાદ લાખોની પેનલ્ટી પણ ફટકારે તેવી શક્યતા છે. આ પેનલ્ટી કોણ ભરશે તે પ્રશ્ન મોટો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer