ભુજના સ્ટેશન રોડ પર ટાયરની દુકાનમાં આગે ભયનો માહોલ સર્જ્યો

ભુજના સ્ટેશન રોડ પર ટાયરની દુકાનમાં આગે ભયનો માહોલ સર્જ્યો
ભુજ, તા. 12 : શહેરના સ્ટેશન રોડ પર આવેલી ટાયરની દુકાનમાં રાત્રે આગ લાગતાં ભયનો માહોલ ખડો થયો હતો. દુકાનની ઉપર હોટલ તેમજ આસપાસ પણ દુકાનો આવેલી હોતાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે, ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે ધસી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલાવવા સમયે ફાયર બ્રિગેડનો કર્મી સચિન પરમાર ઘવાતાં તેને માથાના ભાગે ઇજા પહોંચતાં તાત્કાલિક સારવારાર્થે ખસેડાયો હતો. ભુજમાં ગુરુવારે પરોઢે દોઢેક વાગ્યા આસપાસ સ્ટેશન રોડ પર આવેલી શ્રી ટાયર નામની દુકાનમાં આગ લાગતાં માલ-સામાન બળીને ખાક થઇ ગયો હતો. ટાયરની રબ્બરને કારણે આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આગનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. ભોગ બનેલી દુકાનની ઉપર નિત્યાનંદ રેસ્ટોરન્ટ તેમજ આસપાસ ઓઇલ-બેટરીની દુકાન આવેલી હોવાથી ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ અંગે નિત્યાનંદ રેસ્ટોરન્ટના માલિક જીતેન્દ્રભાઇ શાહે વિગતો આપતાં જણાવ્યું કે, રાત્રે સંભવત: શોર્ટસર્કિટને પગલે આગ લાગી હતી. બનાવ અંગે તાત્કાલિક દુકાન માલિકની સાથોસાથ ફાયર બ્રિગેડ, જીઇબીને જાણ કરાતાં ટીમ ઘટનાસ્થળે ધસી આવી આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, રેસ્ટોરેન્ટમાં બહારના બોર્ડને જ થોડું નુકસાન થયું હોવાનું ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer