એપલ બોરની ખેતી હવે લોલીપોપ સમાન

એપલ બોરની ખેતી હવે લોલીપોપ સમાન
વિથોણ, (તા. નખત્રાણા), તા. 12 : પાછલા દોઢ દાયકાથી પશ્ચિમ કચ્છની પિયત ખેતીમાં સમયાંતરે મોટેપાયે પરિવર્તન આવ્યા છે. ખેતીવાડીમાં પણ ખેડૂતોએ સમયની સાથે તાલ મિલાવ્યો છે. કયાંક સફળતા તો કયાંક નિષ્ફળતા મળી છે છતાં 15 વર્ષ પૂર્વની પિયત ખેતી અને વર્તમાન સમયની ખેતીમાં મોટા ફેરફારો થયા છે. બાગાયતી ખેતીમાં સૌપ્રથમ કેસર કેરીનું પદાર્પણ થયું અને ખેડૂતોને સફળતા મળી અને કચ્છની કેસર દેશ-પરદેશમાં પણ જવા લાગી. ખેતીમાં ખેડૂતોએ ચીકુના અખતરા કર્યા હતા. એક સમય એવો આવ્યો કે વાડીએ વાડીએ એપલ બોરના બગીચા લાગ્યા હતા. પરંતુ ફળમાં મીઠાશ ન હોવાથી એપલ બોરના ઝાડવા ખેડૂતોએ કાપી નાખ્યા. જો કે ડ્રેગન ફ્રૂટ અને લીંબુના બગીચા હજુ ઘણી વાડીઓમાં દેખાય છે. જે ખેતીના વિસ્તારોમાં પાણી સારા છે. પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું છે. તેવા વિસ્તારમાં કેસર કેરીના  ઝાડ, દાડમના બગીચા અને ખારેકના ઝાડ મોટી સંખ્યામાં જોવા મળે છે. સમયસર ખાતર, પાણી અને માવજત મળતી રહે તો ઉપરી બાગાયતી પેદાશો ખેડૂતો માટે વરદાનસાબિત થઈ શકે છે અને થાય  છે. પાણી નબળા પડયા પછી ખેડૂતોએ ખેતી પેદાશોમાં મોટું ફેરબદલ કર્યું છે. ઘઉં, બાજરો અને અન્ય ધાન્ય પેદાશો ઉપર કાપ મૂકીને કપાસ, દિવેલા અને રાયડાને પ્રાધાન્ય આપ્યું છે. તો ઘણા વિસ્તારોમાં દાડમની ખેતીથી વાડીઓમાં હરિયાળી જોવા મળે છે. ઘઉં, બાજરાનું વાવેતર વર્તમાન સમયમાં નહીંવત છે અથવા ખેડૂતો પોતાના પૂરતું કરે છે. જેના કારણે ઘઉં બહારથી મગાવવાની નોબત ઊભી થઈ છે. અત્યારે પશ્ચિમ કચ્છના ખેડૂતો કપાસ, મગફળી અને બાગાયતી પેદાશો તરફ વળ્યા છે. જેમાં મુખ્યત્વે દાડમનો પાક લગભગ 80 ટકા વાડીઓમાં જોવા મળે છે. દાડમની ખેતી દરેક ખેડૂતોને અને જમીનને પાણી અનુકૂળ ન હોય તો માફક આવતી નથી. એપલ બોરની ખેતીએ ખેડૂતોને લોલીપોપ ચખાડયો છે. ઝાડ મોટા હોવાથી જમીન વધુ રોકે છે અને ઉત્પાદન વિપુલ પ્રમાણમાં મળે છે પરંતુ એપલ બોરની માંગ બિલકુલ ના હોવાથી ભાવ પણ મળતા નથી. સરવાળે આમદની  આઠ આના અને ખર્ચ એક રૂપિયા જેવી આ ફસલ છે. અત્યારે ખેતીવાડી પેદાશોમાં દિવેલા પ્રધાન પાક ગણાય છે. આઠ માસી પેદાશ કપાસ હવે આઠ માસી રહ્યા નથી તેને ચાર માસે ઉખેડવાની સ્થિતિ પાછલા પાંચ વર્ષથી જોવા મળે છે. જ્યારે દાડમનો પાક આર્થિક રીતે સમૃદ્ધ ખેડૂતોને પરવડે તેમ છે. યોગ્ય ભાવ મળે અને ચોખ્ખું  ઉત્પાદન થાય તો દાડમની ખેતી ખેડૂતોની તારણહાર બની શકે તેમાં શંકાને સ્થાન નથી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer