વરસામેડી-મેઘપરમાં બે બોગસ શાળા

અંજાર, તા.12 : આજના સમયમાં માતા-પિતા પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે એ હેતુથી મોટેભાગે ખાનગી શાળાઓમાં હોંશેહોંશે ભણવા મોકલતા હોય છે અને ખર્ચની પણ ચિંતા કરતા નથી પરંતુ જે શાળામાં પોતાના બાળકોને શિક્ષણ મેળવવા માટે મોકલે છે તે શાળાની માન્યતા અંગે મોટા ભાગના વાલીઓને માહિતી હોતી જ નથી.આ બાબતનો અનેક ખાનગી સ્કૂલના સંચાલકો ગેરલાભ ઉઠાવીને બોગસ સ્કૂલો ચલાવે છે. આ પ્રકારની અનેક બોગસ સ્કૂલો અંજાર તા.ના વરસામેડી-મેઘપર પંથકમાં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ગેરકાયદેસર ચાલતી શાળાના કારણે બાળકોના ભાવિ સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ થોડા સમય પહેલાં જ આવી બે બોગસ શાળા તંત્રની નજરમાં આવી હતી, જેમાં અંજાર શિક્ષણ વિભાગે સ્થાનિક તપાસ હાથ ધરતાં સંચાલકોના પરસેવા છૂટી ગયા હતા. સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી. તે બોગસ શાળા અંગેનો રિપોર્ટ પણ જિલ્લા શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રક્રિયાને બે મહિના થયા હોવા છતાંય પણ આ અંગે કોઈ કાર્યવાહી હાથ ન ધરાતાં અંજાર તા.ના શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, મળેલી ફરિયાદ બાદ તપાસ કરતાં શાળા બોગસ હોવાની વાત સત્ય પુરવાર થઈ છે ત્યારબાદ સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા બોગસ સ્કૂલો અંગેનો રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જ હાથ ધરાશે એમ ઉમેર્યું છે. બન્ને બોગસ શાળા પૈકીની એક સ્કૂલના સંચાલક સાથે સંપર્ક સાધતાં તેઓ હજુ હવામાં જ છે એવું માલૂમ પડયું છે. તેમણે કહ્યું કે, અમારા દ્વારા કોઈ જ ગેરરીતિ આચરવામાં આવી નથી. અમારા વિરૂદ્ધ બોગસ સ્કૂલનો દાવો ટૂંક સમયમાં જ રદ્દ થઈ જશે અને આવનારા અમુક દિવસોમાં જ અમારી સ્કૂલ શિક્ષા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરી લેશે. બન્ને જુદા-જુદા પક્ષોની વિગત મેળવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા અમોને રિપોર્ટ સોંપાઈ ચૂક્યો છે જેમાં સ્પષ્ટ જાણવા મળે છે કે, તે બન્ને સ્કૂલો ઘણાં સમયથી ગેરરીતિ આચરીને શિક્ષણની પ્રવૃત્તિ કરતી હતી. પરંતુ તેમણે કોઈ માન્યતા મેળવેલી નથી. આથી આવનાર ટૂંક સમયમાં જ તેમના પર જિલ્લા  શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે અને બોગસ સ્કૂલોને બંધ જ કરવામાં આવશે જેથી બાળકોના ભવિષ્યની સાથે રમત રોકવામાં આવે. તેમજ આવા પ્રકારની ફરિયાદો ધ્યાનમાં આવશે તો અન્ય સ્કૂલો પર પણ તપાસ હાથ ધરાશે. હવે શિક્ષણ અધિકારીની કાર્યવાહી સામે સૌની મીટ મંડાઈ છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer