કચ્છમાં નવી પવનચક્કી સામે હવે `રોક''

કચ્છમાં નવી પવનચક્કી સામે હવે `રોક''
ગિરીશ જોશી દ્વારા-
ભુજ, તા. 4 : પવન આધારિત પુન:પ્રાપ્ત વીજળી ઉત્પન્ન કરવા કચ્છમાં આડેધડ રીતે લાગતી પવનચક્કી માટે ફાળવવામાં આવતી સરકારી જમીનોના કારણે અનેક રીતે નુકસાની થતી હોવાના હેવાલો અને ઠેરઠેરથી ઊઠી રહેલા વિરોધને પગલે આખરે વિન્ડમિલને નવી સરકારી જમીન નહીં ફાળવવાનો નિર્ણય લેવાયો છે. તો કચ્છમિત્રે વર્ષના પ્રારંભે જાન્યુઆરીમાં પ્રગટ કરેલા હેવાલને પણ સમર્થન મળ્યું છે. ભારત સરકારે જાહેર કરેલી નવી નીતિ પ્રમાણે કચ્છના રણમાં એનર્જી પાર્ક સ્થાપવાને મહોર લગાવવામાં આવી છે. કચ્છમાં અનેક પવનચક્કી લગાડવા માટે ત્રણ હેક્ટરથી વધારે જમીન 30 વર્ષના ભાડાપટ્ટે સાવ મામૂલી ભાડાંની રકમથી આપવાની નીતિનો ધીમે ધીમે ગેરલાભ લેવાતો હોવાથી કચ્છની વન્ય તેમજ પ્રાકૃતિક સંપદાનો સોથ વાળતી વિન્ડમિલ કંપનીઓ સામે ઠેર ઠેર વિરોધ ઊઠતો હતો. વિન્ડમિલ આધારિત વીજળી મેળવવાની ભારત સરકારની નીતિના કારણે કચ્છની વિશાળ ભૌગોલિક પરિસ્થિતિને જોઇ કચ્છની પસંદગી કરવામાં આવી હતી, પણ એકબાજુ પવનચક્કી આધારિત વીજળી મેળવવા કંપનીઓમાં રીતસર હરીફાઇ-હોડ જામી હોવાથી એકંદરે કચ્છને નુકસાન હોવાનું ખુદ રાજ્ય સરકારે પણ કબૂલવું પડયું હતું. ગુજરાત સરકારે ભારત સરકાર સામે થઇને વિન્ડ-સોલાર એનર્જી માટે એક પોલીસી બનાવી અલાયદું એનર્જી પાર્ક સ્થપાય એટલા માટે નવી વિન્ડમિલને ગ્રામ્ય કે જંગલ વિસ્તારમાં રૂકજાવની કરવામાં આવેલી માંગને સમર્થન મળતાં તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી સાથેના વિચાર-વિમર્શના અંતે નવી એક પણ વિન્ડમિલને ભાડાપટ્ટે સરકારી ભૂમિ નહીં આપવાનું નક્કી થયું હતું. કચ્છમિત્ર દ્વારા 31/1/ 19ના પ્રગટ થયેલા હેવાલમાં તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહને પણ અનુમોદન આપીને કચ્છમાં હવે આડેધડ જમીન નહીં આપવાની ભલામણ કરી હતી. આ બાબતને હાલના કલેક્ટર એમ. નાગરાજને પણ આગળ વધારતાં આખરે સફળતા મળી હતી જેને શ્રી નાગરાજને સમર્થન આપ્યું હતું. આ અંગે વધુ વિગતો આપતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, નવી નીતિ અમલમાં આવી ગઇ છે અને રાજ્યના મહેસૂલ વિભાગનો પરિપત્ર પણ આવી ગયો છે. નવી એક પણ પવનચક્કી સ્થાપવા પર રોક લાગી ગઇ છે. તેમણે વિસ્તારથી જણાવતાં કહ્યું કે, ભારત સરકારના આ પ્રોજેક્ટ હેઠળ જેડા મારફતે પવનચક્કી સ્થાપવા માટે હરાજી થતી હતી. કચ્છમાં 11થી વધુ કંપનીઓએ વિન્ડમિલ લગાવી ચૂકી છે. 1થી 4 સુધી થયેલી હરાજીવાળા એકમને મંજૂરી મળી છે એટલે 1થી 4વાળીને સરકારી જમીન મળશે, બાકીના માટે મનાઇ છે. 1થી 4 શું છે અને 1થી 4માં કેટલી વિન્ડમિલ માટે અરજીઓ આવેલી છે આ બાબતે પ્રકાશ પાડતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, 179 અરજી માન્ય રાખવામાં આવી છે જેના માટે 1063 હેક્ટર સરકારી જમીન ફાળવવામાં આવશે. બાકીની 5થી 7વાળી હરાજી થયેલી અરજીઓ રદ કરવામાં આવશે અને નવી નીતિ પ્રમાણે એનર્જી પાર્કમાં પવનચક્કી તથા સોલાર પાર્કમાં જગ્યા ફાળવવામાં આવશે. કચ્છમાં એનર્જી પાર્ક ક્યાં બનાવવામાં આવશે એ સવાલ સામે તેમણે કહ્યું કે, કચ્છના રણમાં વિગાકોટ ચોકીથી આગળ વિશાળ જમીન ફાળવવાનું આયોજન છે. ભારત સરકાર અને રાજ્ય સરકારનો કચ્છના હિતમાં આ મોટો નિર્ણય છે. કારણ કે 30 વર્ષના ભાડાપટ્ટેથી જમીન આપવાની હોવાથી કચ્છમાં અત્યાર સુધી ત્રણ હજારથી વધારે પવનચક્કી લાગી ચૂકી છે. ફાળવણીનો નિર્ણય જેડા પાસે છે, અમારી પાસે માત્ર જમીન ફાળવણીને લગતી માહિતી હોવાનું જણાવીને કહ્યું કે, 42 લાખ ચોરસ મીટર સરકારી જમીન આપવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો છે અને બાકીની નવી 179 માટે 1063 હેક્ટર જમીન અપાશે.કચ્છના મોટા રણમાં નિર્માણ પામનારા એનર્જી પાર્કમાં સોલાર અને પવનચક્કી આધારિત 30 હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની યોજના છે એમ શ્રી નાગરાજને ઉમેર્યું હતું. જે અરજીઓ આવી ગઇ છે એ 179 પવનચક્કી લગાડવા માટે છ મહિના લાગશે. ટૂંકમાં આગામી છ મહિના પછી હવે કચ્છમાં એનર્જી પાર્ક સિવાય કોઇ સરકારી ભૂમિ ફાળવવામાં નહીં આવે પરંતુ ખાનગી જગ્યા મેળવીને સ્થાપવાની છૂટછાટ આપવામાં આવી છે. થોડા સમય પહેલાં અબડાસાના બાલાચોડ વિસ્તારમાં ગીધ અભયારણ્ય વિસ્તારમાં પવનચક્કીની મનાઇ ફરમાવવામાં આવી હતી, તો તાજેતરમાં પાલરધુના વિસ્તારમાં ઊઠેલા વિરોધને પગલે નવી વિન્ડમિલ પર રોક લગાડવાનો નિર્ણય કલેક્ટરે લીધો હતો. કચ્છનો ભૌગોલિક વિસ્તાર ભલે મોટો છે પરંતુ ઘોરાડ, ગીધ, ઘુડખર અભયારણ્ય આવેલા છે. પ્રાકૃતિક સંપદાને પવનચક્કીના કારણે નુકસાની થતી હોવાના નિષ્ણાતોના અભિપ્રાય પણ મળ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇ આ પ્રકારની સરકારે મહોર મારી હોવાનું તેમણે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer