રવિવારે કે.કે. પટેલ સુપર સ્પે. હોસ્પિટલનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત; તડામાર તૈયારી

રવિવારે કે.કે. પટેલ સુપર સ્પે. હોસ્પિટલનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત; તડામાર તૈયારી
વસંત પટેલ દ્વારા- 
કેરા, તા. 4 : એક બાજુ કચ્છમાં કથા-વાર્તા યજ્ઞનો અને લગ્નોનો માહોલ છે, બીજીબાજુ આ સરહદી જિલ્લાના દર્દીઓની જીવનદોરી કાંતવાની તૈયારી થઇ ચૂકી છે. અવસર છે જિલ્લાની પ્રથમ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્તનો. કિડની, કેન્સર, કાર્ડિયાક, આયુર્વેદ વિભાગો બે વર્ષમાં શરૂ કરવાના સંકલ્પ સાથે કચ્છી લેવા પટેલ સમાજ ભુજે તડામાર તૈયારી આરંભી છે. રવિવારે મુખ્યમંત્રી સહિત રાજ્યના ટોચના આગેવાનો કચ્છના મહેમાન બનવાના છે.કચ્છ યુનિવર્સિટી પાસે 15 એકરના પરિસરમાં સવા લાખ ચોરસ ફૂટનો મેગા પ્રોજેકટ 200 કરોડના ખર્ચે સાકાર થશે. જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે ભાગ્યવિધાતા બનનારા આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત રવિવારે સવારે 9 વાગ્યાથી ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીની નિશ્રામાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના હસ્તે થનારું છે. કૃષિમંત્રી આર.સી. ફળદુ, કેમિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, સમાજ કલ્યાણમંત્રી વાસણભાઇ આહીર તેમજ કચ્છના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાનારા સમારોહમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ગોરધન ઝડફિયા, હંસરાજ ગજેરા જેવા લેઉવા પાટીદાર નેતાઓ હાજરી આપશે. નામકરણદાતા કે.કે. પટેલ ઉપરાંત દેશ-વિદેશના અનેક દાતાઓ પણ ઉપસ્થિત રહેનારા છે. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયાએ કચ્છમિત્રને એક સવાલના જવાબમાં જણાવ્યું કે,  સમગ્ર ચોવીસી આ અવસરને અનેરા ઉમંગથી ઊજવવા સજ્જ થઇ છે. સમગ્ર સર્જનનો યશ દાતાઓને આપતાં અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાએ કહ્યું કે, 200 કરોડનો પ્રોજેકટ સંસ્થાકીય રીતે સાકાર કરવો કોઇપણ માટે સરળ નથી. તેમણે કચ્છની 21 લાખની વસતીની આશા અપેક્ષાઓને સાકાર કરવા વર્તમાન સમાજ સમિતિના તમામ સભ્યોએ ઐતિહાસિક જહેમત ઉઠાવી છે. અનેક કાર્યકરો છેલ્લા બે વર્ષથી મહેનત કરી રહ્યા છે. દાતાઓનો કાર્યકરો પ્રત્યેનો વિશ્વાસ સર્જન માટે કારણભૂત છે. રવિવારે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કચ્છની સેવાભાવી સંસ્થાઓને પધારવા નિમંત્રણ અપાયું છે. સવારે 9-30 વાગ્યે મુખ્યમંત્રી સહિતના આગેવાનો માતા મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલની મુલાકાત લેશે. બાદમાં ખાતમુહૂર્ત અને દાતા સન્માનના કાર્યક્રમો યોજાનારા છે. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, વાગડ લેઉવા પાટીદાર સમાજ પણ સમુદાય સાથે જોડાશે તે ઉપરાંત કચ્છના દરેક સમાજોના પ્રમુખ-કારોબારીને આમંત્રાયા છે. કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઇ વાગડ સમાજના આગેવાનો આવી રહ્યા છે. જેમાં અંબાવીભાઇ વાવિયા, ભચુભાઇ આરેઠિયા સહિતનાનો સમાવેશ થાય છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, પુરાણી પ્રેમપ્રકાશદાસજી આદિ સંતો, સાંખ્યોગી બહેનો આશીર્વાદ આપશે. - 15 હજાર પત્રિકા : ખાતમુહૂર્ત કાર્યક્રમને યાદગાર બનાવવા કચ્છી લેવા પટેલ સમાજે ચોવીસીમાં 15 હજાર પત્રિકા ડોર ટુ ડોર વિતરીત કરાઇ છે. દેશ-વિદેશવાસી દાતાઓ અને ચોવીસીના સ્વામિનારાયણ મંદિરોના સાંખ્યયોગી બહેનોને આમંત્રાયા છે. ગામો ગામના સમાજ મંદિર પ્રમુખો, કારોબારી, સમાજ પ્રતિનિધિઓ, રાજકીય સમિતિઓ ઉપરાંત સમગ્ર આયોજનમાં આખી ચોવીસી સહિયારો શ્રમ ઉઠાવી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer