શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ સેવા આપશે

શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ સેવા આપશે
ભુજ, તા. 4 : અમે કૃષક, ખેડૂતનું હૃદય હંમેશાં સૌના આરોગ્યનો વિચાર કરે છે. કચ્છમિત્ર સાથે આ ઐતિહાસિક સર્જન વિશે વાત કરતાં અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા કહે છે મૂળ સામત્રાના હાલે નાઇરોબી નિવાસી દાનવીર કે. કે. પટેલ અત્યંત ગરીબીમાં ઉછરી આજે કારકીર્દિની ટોચે પહોંચ્યા છે. સાર્વજનિક સેવામાં કોરા ચેક ધરનારા કે. કે. 56ની છાતી ધરાવે છે. એટલે જ 200 કરોડના મહાપ્રોજેકટના મંડાણ થયાં છે. દેશ-વિદેશના અનેક દાતાઓ મોટા આંક સાથે આગળ આવ્યા છે. સુપરસ્પેશિયાલિટી સારવારના સ્વપ્નદૃષ્ટા ગોપાલભાઇ એક પ્રશ્નના જવાબમાં કહે છે, સામાન્ય બુદ્ધિજીવીથી લઇ તબીબી ક્ષેત્રના લોકોને એ પ્રશ્ન થાય કે કચ્છ જેવા છેવાડાના મુલકમાં સુપરસ્પેશ્યિલ ડોકટર કેમ મળશે ? હા, બોલવામાં ચમકદાર લાગે તેવું આ સરળ કામ નથી. છેલ્લા બે વર્ષથી અનેક કાર્યકરોએ પડદા પાછળ કલાકો આપ્યા છે. રાજ્ય અને બહારની અનેક શ્રેષ્ઠ કોર્પોરેટ અને સેવાભાવી હોસ્પિટલોનો અભ્યાસ કર્યો છે. દેશના ટોચના કાર્ડિંયાક, કેન્સર, કિડની, આયુર્વેદ ડોકટરો સાથે દરેક પાસાં જાણ્યા છે. વિશ્વની શ્રેષ્ઠ નિદાન ઉપકરણ પ્રણાલીની કંપનીઓ સાથે વાટાઘાટ કરી છે. આટઆટલું  કર્યા પછી આ કાર્ય આરંભાયું છે એટલે કચ્છ વિશ્વાસ રાખે સૌના આશીર્વાદથી પ્રોજેકટ સાકાર કરાશે. જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ વિકલ્પ અપાશે. અમારો સંકલ્પ છે કે કોર્પોરેટ સ્તરની સારવાર પડતર ભાવે ઉપલબ્ધ કરાવવી. આજથી 18 વર્ષ પહેલાં એમ.એમ.પી.જે. હોસ્પિટલ શરૂ કરી ત્યારે પ્રથમ વર્ષે ત્રણ?હજાર દર્દી અને નિદાન કેન્દ્ર હતું. આજે વર્ષે ત્રણ લાખ દર્દી સેવા મેળવે છે. તેમના દાતા કેશવલાલ પ્રેમજી ભુડિયા, હસુભાઇ ભુડિયા પરિવારે સેવેલું સેવાસ્વપ્ન સાકાર થયું છે તેમ કે. કે. પટેલ પરિવારની ભાવના પણ સમાજના આશીર્વાદથી ફળીભૂત અવશ્ય થશે એમ કહેતાં તેમણે રવિવારે કાર્યક્રમા ઊલટભેર ઊમટી પડવા કચ્છની જનતાને અનુરોધ કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer