ગાંધીધામમાં રાંધણગેસ ગળતરથી આગ લાગતાં ચાર જણ દાઝી ગયા

ગાંધીધામમાં રાંધણગેસ ગળતરથી આગ લાગતાં ચાર જણ દાઝી ગયા
ગાંધીધામ, તા. 4 : શહેરના સેક્ટર-4માં આજે સવારે એક મકાનમાં રાંધણગેસનો બાટલો લીકેજ થતાં લાગેલી આગમાં એક જ પરિવારના ચાર લોકો દાઝી ગયા હતા. આ ચારેયને સારવાર અર્થે ખસેડાયા હતા. શહેરના સેક્ટર-4માં આવેલા મકાન નંબર 109માં આ બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ મકાનની પાછળના ભાગે રહેતા તેજા મગનભાઇ પરમાર (ઉ.વ.45), અંજુબેન (ઉ.વ.40) અને તેમના બે દીકરા રાજેશ (ઉ.વ.15) તથા મહેશ (ઉ.વ.21) આજે સવારે પોતાના ઘરે હતા, દરમ્યાન ગેસનો બાટલો લીકેજ થતાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં આ પરિવારના સભ્યો એક પછી એક દાઝવા લાગ્યા હતા. શરૂઆતમાં ઘરના એક સભ્યો દાઝવા લાગતાં તેને બચાવવા જતાં આ ચારેય લોકો દાઝી ગયા હતા. ઘરમાં લાગેલી આ આગ પાણીનો મારો ચલાવી  કાબૂમાં લેવામાં આવી હતી. દાઝી જનારા આ ચારેયને પ્રથમ રામબાગ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાતા જ્યાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ બનાવની તપાસ કરનારા બી-ડિવિઝનના પોલીસ કર્મી દિનેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, ભોગ બનનારાઓના નિવેદન લેવાના હજુ બાકી છે. તેમના નિવેદન લેવાયા બાદ આગ લાગવાનું સાચું કારણ બહાર આવી શકે એમ છે. આ બનાવને કારણે ભારે ચકચાર પ્રસરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer