ભુજથી ધર્મશાળા સુધી બોર્ડરને જોડતા નેશનલ હાઇવેની કામગીરી નબળી

ભુજથી ધર્મશાળા સુધી બોર્ડરને જોડતા નેશનલ હાઇવેની કામગીરી નબળી
ધ્રોબાણા, તા. 4 : ભુજથી ધર્મશાળા સુધી બોર્ડરને જોડતા નેશનલ હાઇવેની કામગીરી નબળી હોવા અંગે જિ.પં. દિનારા બેઠકના વિપક્ષી સદસ્યે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ અંગે રસીદ સમાએ કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ કચ્છ જિલ્લાના ભુજથી ઇન્ડો-પાક બોર્ડરને જોડતો નેશનલ હાઇવેની કામગીરી ખૂબ જ નબળી થઇ રહી છે. રોડની ગુણવત્તા સારી બને તે માટે કોઇ પ્રયાસ કરાતા નથી. આ કામ માટે રોડની આજુબાજુએથી માટી ઉપાડી ત્યાં જ નાખવામાં આવી રહી છે. તેમજ આજુબાજુના ખેડૂતોના ખેતરોથી માટી ઉપાડી કામગીરી કરાય છે. સાથેસાથે ગરીબ ખેડૂતોને નુકસાન પણ કરાઇ રહ્યું છે. ખેડૂતોના ઊભા પાકનો સોથ વાળવામાં આવી રહ્યો છે. તે અંગે જણાવતા કોન્ટ્રકટર દ્વારા મનમાની કરાતી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. આ વિસ્તાર બન્ની વિસ્તાર હોઇ સારા ચોમાસામાં વરસાદના પાણી પણ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ભરાતા હોઇ રોડનું કાર્ય સારી ગુણવત્તાવાળું બને તે જરૂરી છે. તે માટે સ્થાનિકે અધિકારીઓ દ્વારા પણ નિરીક્ષણ ખૂબ જ જરૂરી હોય છે. તેમ છતાં અત્રે કોઇ અધિકારી આવતા નથી.સરહદની સુરક્ષા અને વચ્ચે વસતા ગામો માટે જીવાદોરી સમાન આ રોડ નધણિયાતો અને હલકી ગુણવત્તાવાળો હોતાં સરકારના કરોડો રૂપિયા અર્થવિહિન બને તેમ છે જેથી રોડની ગુણવત્તા નિયમન ટીમ દ્વારા સ્થાનિકે તપાસ કરવા માંગ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer