વમોટીની સીમમાં પાંચ લાખનો શરાબ ઝડપાયો

વમોટીની સીમમાં પાંચ લાખનો શરાબ ઝડપાયો
ભુજ, તા. 4 : અબડાસાના મોટી વમોટી ગામની સીમમાં શરાબના જથ્થાનું કાટિંગ અને ડિલિવરીના સમયે જ જિલ્લા સ્તરેથી ત્રાટકેલી પોલીસે રૂા. 5.04 લાખ રૂપિયાનો   ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો દારૂ ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં બે આરોપી પકડાયા હતા જ્યારે ડિલિવરી આપવા માટે આવેલા સહિતના અન્ય ત્રણ તહોમતદાર હાથમાં આવ્યા ન હતા. આ પ્રકરણમાં રૂા. ત્રણ લાખની કિંમતની કાર પણ કબ્જે કરાઇ હતી. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાએ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે મોટી વમોટી ગામની સીમમાં પદ્ધર ડેમની બાજુમાં બાવળોની ઝાડી વચ્ચે આ દરોડો પાડયો હતો. જેમાં મૂળ બરાયા (મુંદરા) હાલે કેરા (ભુજ)ના શિવુભા ગાવિંદજી જાડેજા અને મૂળ બાડમેર રાજસ્થાનના હાલે ડુમરા અબડાસા રહેતા કોજરાજાસિંહ ઉમેદાસિંહ રાઠોડની ધરપકડ કરાઇ હતી. આ કામગીરી સમયે ખાનાય અબડાસાનો રાસુભા તગજી સોઢા અને જીતિયો ઉર્ફે જીતુભા મંગળાસિંહ સોઢા તથા ત્રગડી (માંડવી)નો યુવરાજાસિંહ જાડેજા હાથમાં આવ્યા ન હતા.  પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ આ દરોડામાં ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબની 1440 બાટલી કબ્જે કરાઇ હતી. જેની કિંમત રૂા. 5.04 લાખ અંકારવામાં આવી છે. આ ઉપરાંત બે મોબાઇલ ફોન અને ટાટા ફોનોન કાર મળી કુલ્લ રૂા. 8.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો અને પાંચેય આરોપી સામે ગુનો દાખલ કરાવાયો હતો.આરોપીઓ પૈકીના સોઢા કેમ્પ ખાનાયના રાસુભા સોઢા અને જીતુભા ઉર્ફે જીતિયો સોઢા દારૂના જથ્થાનું મળતિયાઓ સાથે કાટિંગ કરવાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે જ પોલીસ ટુકડી ત્રાટકતાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આઇ.જી. સુભાષ ત્રિવેદી અને એસ.પી. સૈરભ તોલંબિયાના માર્ગદર્શન તળે એલ.સી.બી. ઇન્સ્પેકટર એમ.આર. ગોંડલિયાની રાહબરીમાં સ્ટાફના સભ્યો આ કાર્યવાહીમાં જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer