જમીન સંપાદન વિશેની કાર્યવાહી સામે ખેડૂતવર્ગ બાંયો ચડાવી બહાર નીકળ્યો

જમીન સંપાદન વિશેની કાર્યવાહી સામે ખેડૂતવર્ગ બાંયો ચડાવી બહાર નીકળ્યો
ગુંદાલા, (તા. મુંદરા), તા. 4 : પેટ્રોલિયમ અને ખનિજ પાઈપલાઈન અન્વયે જમીન સંપાદન મામલે ખેડૂતોએ બાંયો ચડાવી છે. તંત્રને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર હાલ ગામ ગુંદાલાથી ખાનગી કંપની  દ્વારા પાઈપલાઈન નાખવા જમીન સંપાદનનીનોટિસો ખેડૂતોને આપવામાં આવી છે. કંપની દ્વારા પોતાના ફાયદા માટે ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી ખેડૂતોની સંમતિ વગર લાઈનનું સર્વે કરેલ છે. બીજી તરફ સદર લાઈન માટે દરિયા કિનારાની મોટા ભાગની બિનઉપજાઉ જમીન ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોની ફળદ્રુપ અને બાગાયતી જમીનમાંથી લાઈન કાઢવાનો નિર્ણય ગેરવાજબી છે. પર્યાવરણનું નિકંદન-ખો નીકળી જશે. ખેડૂતોની રોજગારીના ભોગે વિકાસનો વિરોધ છે. ખેડૂતોની માંગ મુજબ સુનાવણી યોજાય અને ખેડૂતોના પ્રશ્નોને યોગ્ય ન્યાય મળે તેવી માગણી છે. ખેડૂતોની એકતા અને સંગઠનને તોડી પાડવા કંપની પ્રયત્નશીલ છે. ખેડૂતોની ખાસ માગણી તેમની ફળદ્રુપ અને બાગાયતી બગીચા, વૃક્ષોને બચાવી દરિયા કિનારા તરફ બિનઉપજાઉ જમીનમાંથી આ લાઈન નાખવામાં આવે તેવી છે. ચાલીસેક સહીઓસાથેના આવેદનપત્રમાં ખેડૂતોએ યોગ્ય ન્યાય મળવા માગણી કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer