ડીપીટી પ્રશાસનને શિપિંગ મંત્રાલયનો ઝાટકો

ગાંધીધામ, તા. 4 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની ટ્રસ્ટી બોર્ડ બેઠકમાં વિગતવાર ચર્ચા કરાવ્યા વિના બંદર પ્રશાસને સકર્યુલર ઠરાવથી મંજૂરી અર્થે શિપિંગ મંત્રાલયમાં મોકલેલું વર્ષ 2020-21નું અંદાજપત્ર મંત્રાલયે પાછું મોકલી દઈને પ્રશાસનને ઝાટકા સાથે શીખ પણ આપી હોવાનું જાણવા મળે છે. ડીપીટીના નાણા વિભાગની કામગીરી સામે છેલ્લા લાંબા સમયથી અનેક ફરિયાદો ઊઠી રહી છે. શિપિંગ મંત્રાલય સુધી આ અંગે રજૂઆતો થઈ છે. આવા સંજોગો વચ્ચે ગઈ 31મી ઓકટોબર સુધી વર્ષ 2020-21નું અંદાજપત્ર મંજૂરી અર્થે મોકલવાનું હોવાથી અને બોર્ડ બેઠક મળી નહીં હોવાથી અત્યંત મહત્ત્વના અંદાજપત્રને પણ ડીપીટી નાણાં વિભાગે સર્ક્યુલર ઠરાવથી પસાર કરાવ્યું હતું. સામાન્ય રીતે અત્યંત તાકીદની અને જરૂરી દરખાસ્ત જ આવી રીતે સર્ક્યુલર ઠરાવથી મંજૂર કરી શકાય. અંદાજપત્ર અત્યંત દૂરગામી અસર પાડતો મહત્ત્વનો દસ્તાવેજ હોવાથી તેને આવી રીતે ટ્રસ્ટી બોર્ડમાં ચર્ચા વિના જ સર્ક્યુલર ઠરાવથી મંજૂર કરાવી શકાય નહીં. ડીપીટીના નાણાં વિભાગે આવા તો કેટલાય ગેરવાજબી કામો કર્યાં છે. કોન્ટ્રેકટરોનાં બિલો મંજૂર ન કરવા, વિવિધ પ્રોજેકટની ફાઈલોમાં બિનજરૂરી કવેરી કાઢીને વિકાસ અવરોધવો, પેન્શનર્સને હયાતીની ખરાઈ અર્થે પણ કનડગત કરવી વગેરે બાબતોનો તેમાં સમાવેશ થાય છે. શિપિંગ મંત્રાલયે આ સકર્યુલર ઠરાવથી પસાર કરીને મંજૂરી અર્થે મોકલાયેલા વર્ષ 2019-2020ના સુધારેલાં તથા 2020-21ના નિયમિત બજેટને આગામી 6ઠ્ઠી ડિસેમ્બરે મળનારી બેઠકમાં રજૂ કરી મંત્રાલયના સચિવની હાજરીમાં મંજૂર કરાવવા સૂચના આપતાં પ્રશાસનમાં હડકંપ મચ્યો છે.ડીપીટીમાં અધ્યક્ષ તરીકે આવેલા આઈ.એફ.એસ. અધિકારી એસ.કે. મેહતા પ્રમાણમાં નવા હોવાથી કેટલાક વિભાગીય અધિકારીઓ પોતાની મનમાની ચાલાવી રહ્યા હોવાની છાપ ઊપસે છે. મંત્રાલયે બજેટ પરત મોકલીને આવા પ્રશાસકોના ગાલે લપડાક મારી છે. આજે દિવસભર શિપિંગ મંત્રાલયના સચિવનો આ પત્ર સતત ચર્ચામાં રહ્યો હતો. 6ઠ્ઠી ડિસેમ્બરે મળનારી ટ્રસ્ટી બોર્ડ બેઠકના એજન્ડા અખબારો સુધી પહોંચી જતા હોવાથી તેને અટકાવવા આ વખતે મોટા ભાગના ટ્રસ્ટીઓને એજન્ડા ઈમેઈલથી મોકલવામાં આવ્યા છે. એજન્ડાની હાર્ડકોપી કચેરીમાં રીતસર સંતાડી દેવાઈ છે. ટૂંકમાં કેટલાક અધિકારીઓ હજુ પણ જાહેર સેવાની આ કચેરીને અંગત માલિકીની સમજી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer