અબડાસામાં અકળ રોગચાળાથી ઘેટાં-બકરાંના થતાં ટપોટપ મોત

નલિયા, તા. 4 : અબડાસા તાલુકામાં ઝીણા માલમાં અગમ્ય રોગચાળો દેખા દેતાં ઘેટાં-બકરાંના ટપોટપ મોત થઇ રહ્યા છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી ઘેટાં-બકરાંમાં અગમ્ય રોગચાળો દેખાવા લાગ્યો છે. ઘેટાં-બકરાંના ગળામાં સોજો આવી જાય છે. મોઢામાંથી ફીણ નીકળે છે. ખાવાનું બંધ કરી દે છે અને  ત્યારબાદ બે દિવસમાં જ તેનું મોત થાય છે. આ અંગે વાયોર જિ.પં.ના સદસ્ય તકીશાબાવા સૈયદે જણાવ્યું હતું કે, દુષ્કાળ અને ત્યારબાદ અતિવૃષ્ટિમાંથી માંડ ઉગરી ગયેલા ઝીણા માલમાં હવે રોગચાળાએ મોટાપાયે દેખા દીધો છે. તાલુકાના નલિયા, મોકરશીવાંઢ, ભદ્રાવાંઢ, મેમણવાંઢ, નુતિયારવાંઢ, જબરાવાંઢ, છાડુરા, રામપર (અબડા), વડસર, ચરોપડી, વાગોઠ, વાયોર, હોથિયાય, ફુલાય, જશાપર, વિંગાબેર, લાલા, કુકડાઉ, કડુલી, કમંડ, સુથરી, કોઠારા, વિંઝાણ ઉપરાંત આખા તાલુકામાં જ્યાં-જ્યાં ઝીણો માલ છે ત્યાં રોગચાળાએ ભરડો લીધો છે.જિલ્લા પંચાયતની પશુ સંવર્ધન ટીમ દ્વારા સ્થાનિકે રસીકરણ જેવી સારવાર અપાય તેવી માગણી કરતાં શ્રી સૈયદે જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ અઠવાડિયામાં અંદાજિત ત્રિસેક ગામોમાં 800 જેટલી સંખ્યામાં ઘેટાં-બકરાં મોતને ભેટયા?છે. આખા તાલુકામાં અગમ્ય રોગચાળો ફેલાતાં ઘેટાં -બકરાંમાં મરણનો આંક ઊંચો રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer