રતનાલમાં રાજ્યમંત્રીના પુત્રની વાડી બની તસ્કરોનું નિશાન

ગાંધીધામ, તા. 4 : પૂર્વ કચ્છમાં તસ્કરોએ રીતસરનો તરખાટ મચાવ્યો છે. સંત્રી હોય કે મંત્રી તસ્કરોની ઝપટે ચડી રહ્યો છે. તેવામાં રતનાલ ગામની સીમમાં એક વાડીમાંથી તથા સરકારી બોરવેલમાંથી એમ 300 ફૂટ વાયર કિંમત રૂા. 22,500ની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા. રતનાલ ગામની સીમમાંથી સર્વેનંબર 50/1 વાળીમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના પુત્ર નવઘણભાઇની વાડી આવેલી છે. આ વાડીમાં ગત રાત્રિ દરમ્યાન નિશાચરોએ હાથ અજમાવ્યો હતો. રતનાલમાં રહેતા મેઘજી સામજી ભગવાન છાંગા (આહીર) છેલ્લા 10-15 દિવસથી આ વાડીની દેખરેખ કરે છે. આ બનાવના ફરિયાદી એવા મેઘજી આહીર ગઇકાલે સાંજે ઘરે ગયા બાદ આ યુવાન આજે સવારે વાડીએ પરત આવ્યો હતો.ખેતીમાં પાણી આપવા માટે તેમણે બોર ચાલુ કરતાં તે ચાલુ થયો ન હતો. તેમણે આ માટે તપાસ કરતાં નીલા અને કાળા રંગનો થ્રી ફેઇસ 10 એમ.એમ.નો વાયર ગુમ જણાયો હતો. કોઇ શખ્સોએ રાત્રિના ભાગે આ 200 ફૂટ વાયર કાપી સેરવી લીધો હતો. તસ્કરોએ તેથી આગળ જઇને સરકારી બોરવેલનો 100 ફૂટ વાયર પણ તફડાવ્યો હતો. રૂા. 22,500નાં 300 ફૂટ વાયરની આ ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં અગાઉ સંત્રી એવા પોલીસ કર્મીઓના મકાનોમાં ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે હવે મંત્રીના પુત્રની વાડીમાંથી પણ ચોરીનો બનાવ સામે આવતાં ભારે ચકચાર પ્રસરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer