ભુજમાં વિકલાંગોને કૃત્રિમ હાથ-પગ માટેના મેગા કેમ્પનો આજથી પ્રારંભ

ભુજ, તા. 4 : લાયન્સ ક્લબ ઓફ ભુજ અને મીડિયા પાર્ટનર કચ્છમિત્ર દ્વારા એ.ડી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વિકલાંગોને કૃત્રિમ હાથ-પગ બનાવી આપવા માટે તા. 4થી 7 ડિસેમ્બર દરમિયાન ચાર દિવસીય મેગા કેમ્પનું આયોજન થયું છે. લગ્ન પ્રસંગે દરેક ઘરમાં અને મા-બાપ વડીલોને હોંશ હોય અને સારી રીતે લગ્ન ઊજવાતા પણ હોય છે, પરંતુ હંમેશાં સેવાક્ષેત્રે અગ્રેસર રહેનારા લાયન ભરત મહેતાના ઘરે પુત્રના લગ્ન પ્રસંગેનો અવસર આવતાં તેમણે સમાજ માટે કંઈક પ્રદાન કરવાનું નક્કી કરતાં વિકલાંગ દિવસને અનુલક્ષીને વિકલાંગો માટે કાર્ય કરવાનું નક્કી કર્યું. લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા ચાર દિવસનો વિકલાંગ ભાઈઓને કૃત્રિમ હાથ અને પગ વિનામૂલ્યે બનાવી આપવા માટે કેમ્પ યોજાશે. તા.4 તથા 5 ડિસે.ના વિકલાંગ લોકોના હાથ-પગના માપ લેવામાં આવશે અને તા. 6 તથા 7ના જયપુરના ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ કોટાના કારીગરો ભુજ મધ્યે જ કૃત્રિમ હાથપગ બનાવી આપશે. આ લાયન્સ કલબ ભુજ દ્વારા દાતાઓના સહકારથી પાંચમો મેગા કેમ્પ યોજાઈ રહ્યો છે. અગાઉ કરેલી જાહેરાતને અનુલક્ષીને આજે સમગ્ર કચ્છમાંથી અને અમદાવાદથી 70 જેટલા વિકલાંગ ભાઈઓ-બહેનો, બાળકો વગેરે કેમ્પમાં લાભાર્થી તરીકે આવ્યા હતા અને તમામના જરૂરી માપ લેવામાં આવ્યા છે. આ કેમ્પ સત્તાવાર રીતે આવતીકાલથી શરૂ થશે અને ગુરુવારે સવારે 11 વાગ્યે ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલા ઝવેરબેન કાંતિલાલ ઠક્કર લાયન્સ ભવન મધ્યે દીપ પ્રાગટય કરી અને ખુલ્લો મુકાશે. આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ ભુજના હોદ્દેદારો અને સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા હોવાનું મીડિયા કન્વીનર નવીન મહેતાની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer