ડીપીટીમાં બદલેલા કર્મીઓ હજી જૂના વિભાગમાં ઓવરટાઈમ લે છે !

ગાંધીધામ, તા. 4: અધધધ વેતન મેળવતા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના કેટલાક કર્મચારીઓ પાંચ વર્ષે બદલીનો ગંજીફો ચીપાતાં અન્ય વિભાગમાં બદલ્યા હોવા છતાં જૂના વિભાગમાં આવી, કામ કરીને ઓવરટાઈમ પણ લેતા હોવાનો ગંભીર આક્ષેપ ઊઠયો છે. એકતરફ ડીપીટી અધ્યક્ષ એસ.કે. મેહતા ઓવરટાઈમ ઘટાડવા અને સરકારનું આર્થિક ભારણ હળવું કરવા ચુસ્ત રીતે કાર્યરત છે, તો બીજી બાજુ કેટલાક વિભાગીય વડાઓ સ્ટાફને સાચવવા ઓવરટાઈમનો લાભ ગેરકાનૂની રીતેય આપી રહ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. તાજેતરમાં ડીપીટીમાં બદલીનો ગંજીફો ચીપાતાં અનેક કર્મચારીઓની કંડલા, ગાંધીધામ, વાડીનાર ખાતે અરસપરસ બદલી કરાઈ. ગાંધીધામ પ્રશાસનિક ભવનમાં કેટલાક વિભાગમાં આવા ખાસ તો કંડલા કે ભવનના જ અન્ય વિભાગમાં બદલેલા ઘણા કર્મચારી પોતાની ફરજની જગ્યાએ સવારે હાજરી નોંધાવ્યા પછી બપોરે પ્રશાસનિક ભવનમાં જૂના વિભાગમાં કામ કરવા આવે છે. અહીં તેઓ ઓવરટાઈમ પણ મેળવે છે. સામાન્ય રીતે અતિ ચુસ્ત ગણાતો નાણાં વિભાગ આવી બાબતમાં તદ્દન નિક્રિય જણાય છે. જાણકારો આ અંગે તલસ્પર્શી વિજિલન્સ તપાસની માંગ કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer