ખારીરોહર સીમમાં પોલીસ પહોંચતાં પેટ્રોલ ચોરતા શખ્સો નાસી છૂટયા

ગાંધીધામ, તા. 4 : તાલુકાના ખારી રોહરની સીમમાં આવેલી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇનમાં કાણું પાડી પેટ્રોલની ચોરી કરતા ત્રણ ઇસમો પોલીસને જોઇને નાસી છૂટયા હતા. આ જગ્યાએથી પોલીસે રૂા. 4690નું પેટ્રોલ કબ્જે કર્યું હતું. ખારી રોહરમાં રહેતા કારા જાકુબ બુચડ, આદમ ઉર્ફે પોપટ સુલેમાન નિગામણા અને હનિફ ઉર્ફે કુલ્લી હારૂન નામના ઇસમો આઇ.ઓ.સી.ની પાઇપલાઇનમાં કાણું પાણી તેમાંથી પેટ્રોલિયમ પદાર્થની ચોરી કરતા હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. ગાંધીધામ બિ -ડિવિઝન પોલીસને મળેલી આ બાતમીના આધારે પોલીસ ત્યાં ધસી ગઇ હતી. પરંતુ પોલીસને જોઇને આ ત્રણેય શખ્સો નાસી ગયા હતા. પોલીસના હાથમાંથી સાબુના ગોટાની જેમ સરકી જનારા આ ઇસમો જ્યાં કારીગરી કરી રહ્યા હતા ત્યાં પોલીસ ગઇ હતી અને બે કેરબામાંથી 70 લિટર રૂા. 4690નું પેટ્રોલ તથા ત્રણ ખાલી કેરબા, એક નળી વગેરે સાધનો કબ્જે લીધા હતાં. તેમજ આ ઇસમોએ પાઇપલાઇનમાં કાણું પાડયું હતું તે કાણામાં લાકડાની ડટ્ટી ભરાવી દીધી હતી. અગાઉ પણ પાઇપલાઇનમાં કાણું પાડી ડીઝલ, પેટ્રોલ ચોરીના બનાવોનો પર્દાફાશ કરાયો છે. પરંતુ આવા બનાવોમાં મોટા ભાગે આરોપી નાસી જતા હોય છે. પૂર્વ કચ્છમાં ખનિજચોરી, રોયલ્ટી ચોરી તથા ડીઝલ, પેટ્રોલ  ચોરીના બનાવો અટકાવવા ઉચ્ચ અધિકારીઓનું ફરમાન હોવા છતાં આ તમામ ગેરકાયદેસરની પ્રવૃત્તિ હજુ પણ બેરોકટોક થતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ડીઝલ, પેટ્રોલ ચોરીને નહીં અટકાવાય તો આ સંકુલ માટે માઠાં પરિણામ આવવાની શક્યતા સૂત્રોએ દર્શાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer