પુનડી પાટિયા પાસે અજ્ઞાત ભિક્ષુક માટે ડમ્પર બન્યું યમદૂત : પાનેલીના યુવાનનો આપઘાત

ભુજ, તા. 4 : માંડવી તાલુકામાં પુનડી ગામના પાટિયા પાસે પૂરપાટ જઇ રહેલા ડમ્પરની હડફેટે આવી જવાથી પગપાળા જઇ રહેલા અજાણ્યા ભિક્ષુક જેવા શખ્સનું મૃત્યુ થયું હતું તો બીજીબાજુ નખત્રાણા તાલુકાના પાનેલી ગામે કાન્તિ ભીમજી બલિયા (ઉ. વ. 24)એ કોઇ કારણોસર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે ભુજ તાલુકાના નાગિયારી ગામની સીમમાં લક્ષ્મીફાર્મ ખાતેના હોજમાંથી વાડીના ચોકીદાર રમજુ જીવા બાફણ (ઉ.વ.58)નો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ માંડવીથી 26 કિ.મી. દૂર ભુજ-માંડવી ધોરીમાર્ગ ઉપર પુનડી ગામના પાટિયા પાસે ગઇકાલે સંધ્યા સમયે જીવલેણ અકસ્માત થયો હતો, જેમાં પગપાળા જઇ રહેલા અજાણ્યા ભિક્ષુક જેવા લાગતા શખ્સનું જી. જે. 12 એ. યુ.-0571 નંબરના ડમ્પર તળે આવી જવાથી મૃત્યુ થયું હતું. મરનારની ઓળખ આજે સાંજ સુધીમાં હજુ થઇ શકી નથી. બનાવ બાબતે વાંઢના નંદકિશોર દેશર સંઘારે ડમ્પરના ચાલક જખણિયા (માંડવી)ના પરબત અભરામ સંઘાર સામે ફરિયાદ લખાવી હતી. બીજીબાજુ દયાપર પોલીસ મથક હેઠળ આવતા નખત્રાણા તાલુકાના પાનેલી ગામેથી 24 વર્ષની વયના કાન્તિ બલિયાની અકળ આત્મહત્યાનો કિસ્સો બહાર આવ્યો હતો. પોલીસે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે પરોઢિયે સાડા પાંચેક વાગ્યાના સુમારે આ હતભાગી તેના ઘરમાંથી ફાંસો ખાધેલો મૃત લટકતો મળી આવ્યો હતો. આ પછી દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેને વિધિવત મૃત જાહેર કરાયો હતો. મરનારે કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આ દિશામાં છાનબીન હાથ ધરી છે. જ્યારે નાગિયારી ગામે સીમમાં આવેલા લક્ષ્મીફાર્મના હોજમાંથી આ વાડીના ચોકીદાર ગામના જ રમજુ બાફણ નામના પ્રૌઢની લાશ તરતી મળી આવી હતી. આ બાબતે ગામના જુશા ભચુ બાફણે પોલીસને જાણ કરી હતી. આજે સવારે છથી આઠ વાગ્યા દરમ્યાન આ કિસ્સો બન્યો હતો. આ ઘટના અકસ્માત છે કે આપઘાત તેના સહિતની છાનબીન માનકૂવા પોલીસે હાથ ધરી હોવાનું પોલીસ સાધનોએ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer