નલિયામાં ધોળા દિવસે બે મકાન અને મંદિર ખાતેથી 47 હજારની તસ્કરી

ભુજ, તા. 4 : અબડાસાના નલિયા મુકામે મૂળ પરપ્રાંતીય એવા બે શ્રમજીવી ભાઇઓના રહેણાકના મકાન અને નજીકમાં આવેલા ગાયત્રી મંદિરને ધોળા દિવસે નિશાન બનાવવા સાથે તસ્કર તત્ત્વોએ રૂા. 47 હજારની માલમતાનો હાથ મારીને કાયદાના રક્ષકોને દોડતા કરી મૂક્યા હતા. બહાર આવેલી વિગતો અનુસાર કાપડ અને વસ્ત્રોની ફેરી કરવાનો વ્યવસાય કરતા મૂળ આગ્રાના વતની એવા મનોજ ભમરાસિંહ નાયક અને તેનો ભાઇ વિનોદભાઇ ગઇકાલે બાઇક ઉપર જખૌ વિસ્તારમાં ફેરીએ ગયા હતા ત્યારે ગઇકાલે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમ્યાન તેમના મકાન અને ગાયત્રી મંદિર ખાતેથી આ ચોરી થઇ હતી. બનાવ બાબતે મનોજ નાયકે ફરિયાદ લખાવતાં નલિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  ફરિયાદને ટાંકીને પોલીસ સાધનો દ્વારા આ વિગતો આપતાં જણાવ્યું  હતું કે, આ ઘટનામાં મનોજના મકાનમાંથી રૂા. 20 હજાર રોકડા અને વિનોદના ઘરમાંથી રૂા. 25 હજાર રોકડા તથા ગાયત્રી મંદિરની દાનપેટી તોડી તેમાંથી રૂા. બે હજાર રોકડા મળી કુલ રૂા. 47 હજારની માલમતા તફડાવી જવાઇ હતી. ફોજદાર એસ.એ.ગઢવીએ છાનબીન હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer