ઇનામમાં સફારી કાર લાગ્યાનું જણાવી 1.10 લાખની કરાઇ ઓનલાઇન ઠગાઇ

ભુજ, તા. 4 : ઇનામમાં રૂા. 12.40 લાખની કાર લાગ્યાનું જણાવી વાતચીત દ્વારા વિશ્વાસ ઊભો કરીને નખત્રાણા તાલુકાના નિરોણા ગામના ખાનગી નોકરિયાત કિરીટ ગાવિંદ દરજી નામના યુવાન સાથે રૂા. 1.10 લાખની રકમની ઓનલાઇન છેતરપિંડી કરાયાનો  કિસ્સો  બહાર  આવ્યો છે. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. 29મી ઓગસ્ટના સવારે બનેલી આ ઘટના વિશે ભોગ બનનારા કિરીટ દરજીએ ગઇકાલે દયાપર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં આરોપી તરીકે અલગ-અલગ ત્રણ મોબાઇલ ફોન નંબર ઉપરથી વાતચીત કરનારા ગૌહાતી આસામના પેટીએમ મોલના નીતિનકુમાર સિંગ તરીકે પોતાની ઓળખ આપનારા શખ્સને બતાવાયો છે. દયાપરના ફોજદાર જે. પી. સોઢા દ્વારા કેસની તપાસ હાથ ધરાઇ છે. પોલીસ સાધનોએ ફરિયાદને કેન્દ્રમાં રાખીને જણાવ્યું હતું કે, નિરોણાના રહેવાસી અને સુજલોન કંપનીમાં કોટડા (લખપત) ખાતે નોકરી કરતા ફરિયાદી કિરીટ દરજીને તેમના મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો અને તેમને રૂા. 12.40 લાખની કિંમતની ટાટા સફારી કાર ઇનામમાં લાગી હોવાની વાત કરી વિશ્વાસ કેળવાયો હતો. કારની ડિલિવરી માટે રજિસ્ટ્રેશન ફી તથા ટી.ડી.એસ., જી.એસ.ટી. અને હોલ્ડ ચાર્જ  વગેરે ભરવાના થશે તેવું કહીને રૂા. 1,09,500ની રકમ ભરાવાઇ હતી. આ પછી કાર કે તેના પેટે આપેલી રકમ પરત ન આપીને છેતરપિંડી કરવામાં આવી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer