16 ડિસે.થી ખાસ મતદાર યાદી સુધારણા

ભુજ, તા. 4 : કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશથી સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ આગામી 16 ડિસેમ્બરથી ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 16 ડિસેમ્બરથી શરૂ થનારા આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 1પ જાન્યુઆરી સુધી ચાલશે. જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી માહિતી અનુસાર મતદારયાદી વેરિફિકેશન કાર્યક્રમ તેની નિયત સમય મર્યાદાથી થોડો મોડો આટોપાયા બાદ હવે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાવા જઈ રહ્યો છે. જેમાં 1 જાન્યુઆરી 2020ની સ્થિતિએ જે કોઈ યુવક-યુવતીની ઉમર 18 વર્ષની થઈ ગઈ હશે તેઓ ફોર્મ નંબર 6 ભરીને નવા મતદાર તરીકે મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે.આ ઉપરાંત ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ મતદારયાદીમાંથી નામ કમી કરાવવા, સુધારા-વધારા કરવા, નામ અન્યત્ર સ્થળાંતરિંત કરવા સહિતની કામગીરી પણ કરવામાં આવશે. મતદારો વોટર હેલ્પલાઈન નંબર 19પ0 પર કે પછી મોબાઈલ એપ્લિકેશન અને ઈલેક્શન કમિશનની વેબસાઈટનો ઉપયોગ કરી પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરાવવા સહિતના અન્ય કાર્યો કરાવી શકશે. આ કામગીરી કરવા માટે બીએલઓને તાલીમ આપવા સહિતનું કાર્ય કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વેરિફિકેશનની કામગીરી શરૂઆતમાં ધીમી ગતિએ આગળ ચાલી હતી. બીએલઓને કાર્યમાં ઉતારાયા બાદ ઝુંબેશમાં નોંધનીય ગણાય તેટલી ઝડપ આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer