14મીએ ભુજમાં દરિયાઈ પર્યાવરણીય પ્રશ્નો અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે

ગાંધીધામ, તા.4 : ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગત વર્ષ 2011માં પ્રસિદ્ધ કરાયેલા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સી.આર.ઝેડ.)ના જાહેરનામા સંદર્ભે રચાયેલી સમિતિની એક ઉચ્ચસ્તરીય બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે 11મીએ ભુજમાં મળશે. જેમાં કચ્છના દરિયાઈ પર્યાવરણને લગતા અનેક સંવેદનશીલ મુદ્દા ચર્ચાશે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વતી પશ્ચિમ કચ્છના પ્રાદેશિક અધિકારી (ઈન્ચાર્જ) ડો. એસ.એન. અગ્રાવતે આ બેઠક અંગે કમિટીના સભ્યોને હાજર રહેવા પત્ર પાઠવ્યો છે. સીઆરઝેડનું અમલીકરણ તથા અન્ય વિવિધ એજન્ડા આ બેઠકમાં ચર્ચાશે. જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં 11મીએ સાંજે 4.30 વાગ્યે મળનારી આ બેઠકમાં જખૌ બંદર નજીક દરિયામાં ડૂબી ગયેલા એક બાર્જ અંગેના અહેવાલ ઉપર ચર્ચા થશે. કચ્છના રણમાં આર્ચિયન કેમિકલ કંપની દ્વારા બંધાયેલા બંડ તથા ગેરકાનૂની પાણીની કેનાલો અંગેની સત્યેશ બ્રાઈનકેમ પ્રા. લિ.ની રજૂઆતનો પણ ચર્ચામાં સમાવેશ થશે. અન્ય એજન્ડામુજબ મારુતિ સુઝુકી કંપની લિમિટેડના સીઆરઝેડ કલીયરન્સ, દીનદયાળ પોર્ટ હસ્તકની મીઠાંના હેતુ માટેની જમીન સંદર્ભે વિષ્ણુ જે. મોરીની રજૂઆત, જંગી વિસ્તારમાં ડીપીટીના સ્થળ તપાસણી અંગેનો અહેવાલ, વોંધમાં બંધાયેલા ગેરકાયદે બંડ દૂર કરવા અંગે ડીપીટીનો એકશન ટેઈકન રિપોર્ટ, ભારત સોલ્ટ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવાયેલા બંડ અંગે ડીઆઈએલઆરનો રિપોર્ટ, ભારાપરની સાલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફલાય એશના ગેરકાનૂની નિકાલની રજૂઆત વગેરે સહિતના 14 એજન્ડા ઉપર આ બેઠકમાં વિચારણા થશે. આ બેઠકમાં પૂર્વ અને પશ્ચિમના નાયબ વન સંરક્ષકો, જિલ્લા નગર નિયોજન અધિકારી, માંડવી જીએમબીના પોર્ટ ઓફિસર, આસિસ્ટંટ ડાયરેકટર ફિશરીઝ, માંડવી, ગાંધીધામ, અંજાર અને ભચાઉના પાલિકાના મુખ્ય અધિકારીઓ, પૂર્વ વિભાગ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી, સીઆરઝેડ કમિટીના સભ્યો મામદભાઈ ચબા, હારૂન સાલેમામદ કારા તથા વાઘેર હારૂન ઓસમાણ હાજરી આપશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer