અંજારના સાપેડા નજીક કાર હડફેટે બાઇકસવારનું મોત

ગાંધીધામ, તા. 2 : અંજાર-ભુજ ધોરીમાર્ગ ઉપર સાપેડા નજીક કાર અને બાઇક ભટકાતાં નિંગાળના ફકીરમામદ ઉર્ફે અસલમ રમજુ કેવર (ઉ.વ. 25)નું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ મુંદરાના પ્રાગપર પાસે ટ્રક અને કાર ભટકાતાં કારમાં સવાર છ લોકોને ઇજાઓ પહોંચી હતી તથા અંજારના મીંદિયાળામાં છોટા હાથી છકડો ભટકાતાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નિંગાળમાં રહેનાર અસલમ અને આદમ ઉમર કેવર નામના યુવાનો બાઇક નંબર જી.જે. 12-બી.એફ. 4524થી જઇ રહ્યા હતા ત્યારે સાપેડા નજીક પેટ્રોલપંપ પાસે અંજાર-ભુજ ધોરીમાર્ગ ઉપર તેમને અકસ્માત નડયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બાઇકને કાર નંબર જી.જે. 12-બી.એ. 9904એ હડફેટમાં લેતાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં અસલમનું અકાળે મોત થયું હતું જ્યારે આદમને સારવાર હેઠળ રખાયો હતો. આ બનાવ બાદ કારચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. તેને અંજાર ખાતે સારવારમાં લઇ જવાયો હતો. આ કારમાં ચાલક કોણ હતો તેનું મોડી રાત સુધી નામ બહાર આવ્યું નહોતું. બીજીબાજુ મુંદરાના પ્રાગપર ચોકડી અહિંસાધામ પાસે અકસ્માત સર્જાયો હતો. અંજાર વીજ તંત્રની સર્કલ ઓફિસમાં નાયબ ઇજનેર તરીકે કામ મરતા જિતેન્દ્રકુમાર પૂંજાભાઇ પરમાર અને તેમનો પરિવાર માંડવી ફરવા જઇ રહ્યો હતો. દરમ્યાન ટ્રક નંબર જી.જે. 03-એ.ટી. 0102 રોંગ સાઇડમાં આવી આ કારમાં અથડાતાં જિતેન્દ્ર પરમાર, પ્રિયંકાબેન, રૂત્વીબેન, હંસાબેન ભૂપત ચૌહાણ, અંજલિબેન મહેન્દ્ર રાઠોડ અને બાળકી તક્ષવીને ઇજાઓ પહોંચી હતી. વધુ એક અકસ્માત મીંદિયાળામાં રૂપા કરણા રબારીની વાડીમાં સર્જાયો હતો. આ બનાવના ફરિયાદી મહેશ ભીખા ભીલ, તેમના દાદી દેવલબેન તથા પત્ની ઉર્મિલાબેન વગેરે વાડીમાં ભૂંગા પાસે બેઠા હતા તેવામાં આ ફરિયાદીના સાળા રવિ ભીલએ છકડો નંબર જી.જે. 06-ઓ.વી. 9299 ભૂંગામાં ભટકાવ્યો હતો જેમાં આ ત્રણેયને ઇજાઓ થતાં ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતના આ ત્રણેય બનાવોની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer