શરીર ભલે વિકલાંગ હોય પણ ઇરાદો અચળ

શરીર ભલે વિકલાંગ હોય પણ ઇરાદો અચળ
ભદ્રેશ ડુડિયા દ્વારા ભુજ, તા. 2 : શરીરમાં 65 ટકા વિકલાંગતા હોવા છતાં 2019ની જિલ્લા કક્ષાની ખેલમહાકુંભની જનરલ કેટેગરીની તરણ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવનારા ભુજના યુવાન ગુંસાઈ પીયૂષગિરિ મદનગિરિ આજના વિશ્વ વિકલાંગ દિને વિકલાંગતાથી હતોત્સાહ થયેલા દિવ્યાંગોને પોતાના જીવનમાંથી શીખ આપી રહ્યા છે કે, `શરીર ભલે વિકલાંગ હોય પરંતુ ઈરાદા ક્યારેય વિકલાંગ ન જ હોવા જોઈએ.' મૂળ કેરાના 38 વર્ષીય પીયૂષભાઈએ પોતાની વિકલાંગતાને હડસેલી સામાન્ય લોકોની જેમ જ કઈ રીતે જીવન જીવી શકાય તેવી પ્રેરક વાતો વર્ણવી હતી. પીયૂષભાઈએ જણાવ્યું કે, છ માસની વયે ઈન્જેક્શનમાં રિએક્શનના લીધે પગમાં ખામી આવી જતાં શરીરે 65 ટકા વિકલાંગ થઈ ગયા હતા. નાની ઉંમરથી ખેલકૂદનો ભારે શોખ હોવાથી સામાન્ય બાળકોને મેદાનમાં ક્રિકેટ રમતો જોઈ વિકલાંગતાના લીધે નિરાશા અનુભવતો પરંતુ ક્રિકેટની કોમેન્ટરી કરીને આ ખેલનો હિસ્સો બનવા બદલ આનંદ થતો આથી કેરા અને જ્યુબિલી ગ્રાઉન્ડમાં રમાતી અનેક ક્રિકેટ મેચો દરમ્યાન કોમેન્ટરી કરી છે. ક્યારેય નિરાશાનો પડછાયો પણ પોતાના જીવનમાં ન પડવા દેનારા પીયૂષભાઈએ ઉત્સાહભેર જણાવ્યું કે, ગ્રેજ્યુએટ થયા બાદ `પગભર' થવા પોતાના દમ પર ધંધો શરૂ કર્યો. હાલે જથ્થાબંધ બજારમાં ચાચાજી ચાના હુલામણા નામથી પેઢી ધરાવું છું અને મારા પાસે ચારથી-છ લોકો કામ કરે છે. સામાન્ય રીતે દિવ્યાંગની સાથે દિવ્યાંગ જ પરણતા હોય છે પરંતુ પીયૂષભાઈને આનંદ છે કે તેના કિસ્સામાં એવું નથી. તેની પત્ની અને બાળકો શારીરિક રીતે સક્ષમ છે અને પરિવાર આનંદમય જીવન જીવતો હોવાની લાગણી દર્શાવી હતી. ખેલકૂદ અંગેની વાત આગળ વધારતાં પીયૂષભાઈએ જણાવ્યું કે, તેઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી સ્વિમિંગ કરે છે. તરણ શીખવા ગયા ત્યારે બંને પંગુ હોવાથી તાર શીખવનારાઓએ ચોખ્ખી ના પાડી દીધી. અમે જોખમ ઉઠાવવા માગતા નથી તેથી તને તાર નહીં શીખવાડીએ... પરંતુ અમિતાભ બચ્ચનનો કેબીસીનો ડાયલોગ છે ને... `કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી...' બસ આવી જ રીતે મેં પણ મને ગાંઠ વાળી લીધી તાર તો શીખવી જ છે, એટલે સહારો લીધો યુ-ટયૂબનો અને તેની ટિપ્સ-માધ્યમથી સ્વિમિંગ પૂલમાં ઝંપલાવી દીધું. અને પાઇપ પકડીને એક માસ સુધી પગની હલનચલન પ્રક્રિયા કરી હતી. 2019ના ખેલ મહાકુંભની જનરલ કેટેગરીની ઓપન એજની સૌથી લાંબી એવી 400 મીટરની સ્પર્ધામાં ભાગ લીધો અને આ હરીફાઈમાં જિલ્લામાં ત્રીજો નંબર આવ્યો. પીયૂષ એક ધારું 2000 મીટર સુધી તરી શકે છે. આ ઉપરાંત 2018માં કચ્છમિત્રના મીડિયા સહયોગથી યોજાયેલી 11 કિ.મી.ની સાઇકલ સ્પર્ધામાંય પીયૂષે ભાગ લીધો હોવાનું જણાવ્યું હતું. આમ, આજના વિશ્વ વિકલાંગ દિને વિકલાંગતાથી નિરાશ થયેલા લોકો માટે પીયૂષભાઈનો જીવન બોધપાઠ રૂપે છે. કુદરત જ્યારે પણ કોઈમાં કાંઈ ખામી રાખી દેતી હોય છે ત્યારે બદલામાં કંઈને કંઈ ખૂબી સામાન્ય કરતા વધુ જ આપતી હોય છે. બસ તેનું મંથન કરી તે દિશામાં આગળ વધવાથી જીવન આશામય બને છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer