ભુજ લશ્કરના જવાને બિહારમાં પત્ની અને સાળીને ગોળી ધરબી આપઘાત કર્યો

ભુજ લશ્કરના જવાને બિહારમાં પત્ની અને સાળીને ગોળી ધરબી આપઘાત કર્યો
ભુજ, તા. 2 : અહીંના લશ્કરી મથકમાં બિહાર રેજીમેન્ટની બટાલિયનમાં સૈનિક તરીકે તૈનાત વિષ્ણુ શર્માએ સાળીના લગ્નમાં જવા રજા લઈ 20મી નવેમ્બરે બિહાર ગયો હતો, જ્યાં રવિવારે ડેંગ્યુની બીમારીના લીધે આવેશમાં આવી ચાલતી કારે પોતાની પત્ની દામિની શર્મા તેમજ સાળી ડિમ્પલ ઉર્ફે ખુશ્બૂ શર્માને ગોળી ધરબી હત્યા કર્યા બાદ પોતાને પણ ભડાકે બોલાવી દીધો હતો. ગુસ્સે ભરાયેલા વિષ્ણુના પંજામાંથી કારચાલક કાકાજી સસરાએ વિષ્ણુના બે બાળકોને બચાવી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વિષ્ણુએ આવેશમાં આવીને પત્ની અને સાળીને લાયસન્સવાળી બંદૂકથી ગોળી મારતાં ચાલક મિથિલેશ ઠાકુરે વિરોધ કરતાં તેનેય મારી નાખવાની ધમકી આપી હતી. મિથિલેશે આગળની સીટમાં બેઠેલા વિષ્ણુના મોટા દીકરા વિવેકને લઈને બહાર નીકળ્યા બાદ રાડારાડી કરતાં એકઠા થયેલા લોકોએ નાના દીકરા વિરાટને બચાવી લીધો હતો, પરંતુ આ દરમિયાન વિષ્ણુએ ખુદને ભડાકે બોલાવી આપઘાત કરી લીધો હતો. વિષ્ણુએ કુલ પાંચ ફાયર કર્યા હતા, જેમાં એક ગોળી કારના કાચમાં વાગી હતી. ડેંગ્યુના લીધે આવેશમાં આવેલા વિષ્ણુએ કાકાજી સસરા મિથિલેશ અને બન્ને બાળકોનેય મારી નાખત પરંતુ એની બંદૂકમાં ગોળી ફસાઈ ગઈ હતી. વિષ્ણુનું કહેવું હતું કે, ઘણા દિવસો સુધી સાસરામાં રહેવાથી ડેંગ્યુના મચ્છરે ડંખ દીધો હોવાના લીધે ડેંગ્યુની બીમારીમાં સપડાયો છું, જેના ઈલાજ માટે પટના જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ મુદે ફરી પત્ની સાથે ઝઘડો થયો હતો, જેમાં સાળીએ પણ પત્નીનો જ પક્ષ લેતાં આવેશમાં વિષ્ણુએ આ પગલું ભર્યાની વિગતો પોલીસમાં લખાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, 22 નવેમ્બરના જ હતભાગી સાળી ખુશ્બૂના લગ્ન થયા છે, જેના લગ્ન અર્થે વિષ્ણુ અહીં આવ્યો હતો. આ ઘટનાની જાણ ભુજના લશ્કરી મથકમાં અધિકારીઓને થતાં તેઓએ સ્થાનિકે તપાસ હાથ ધરી છે. વિષ્ણુ 2009માં બિહાર બટાલિયનમાં જોડાયો હતો, એની પોસ્ટીંગ રાંચી અને શ્રીનગરમાં થયા બાદ ભુજ થઈ હતી. શ્રીનગરથી જ તેણે પિસ્તોલનું લાયસન્સ મેળવ્યું હતું. વિષ્ણુના પિતા શિવબચન શર્માયે સેનામાં જ ડીએસઈના પદે તામિલનાડુમાં તૈનાત છે. વિષ્ણુના સસરાએ જણાવ્યું કે, વિષ્ણુ શરૂથી માનસિક રીતે અસ્વસ્થ લાગતો હોય તેવો વ્યવહાર કરતો હતો પરંતુ ઘટનાના દિવસે સવારે સારી રીતે ઘરથી નીકળ્યા હતા અને તેની નાની દીકરી ડિમ્પલ ઉર્ફે ખુશ્બૂ એમ.એ.ની પરીક્ષા દેવા માટે તેઓની સાથે નીકળી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer