ઠંડીનો પારો સરક્યો : નલિયા 8 ડિગ્રી

ઠંડીનો પારો સરક્યો :  નલિયા 8 ડિગ્રી
નલિયા, તા. 2 : અસહ્ય ઠંડી માટે જાણીતા બનેલા આ નલિયા મથકે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે આજે જનજીવન પર સીધી અસર પહોંચી હતી. જનજીવન મોડેથી ધબકયું હતું. આજે મોસમનો સૌથી ઠંડા દિવસનો લોકોએ અનુભવ કર્યો હતો. આજે ન્યૂનત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે 10.5 ડિગ્રી ઠંડી નોંધાયા પછી એક જ રાતમાં ઠંડીનો પારો 2.5 ડિગ્રી જેટલું નીચે ઊતરી જતાં સોમવારે દિવસ દરમ્યાન ટાઢોળું ચાલુ રહ્યું હતું. વહેલી સવારે એસ. ટી. બસોમાં પ્રવાસીઓની સંખ્યા ઠંડીના કારણે નહીંવત રહી હતી તો ગરમ વત્રોનો ઉપાડ પણ એકાએક વધી ગયો છે. ઠંડી ઉડાડવા લોકો હાથવગા સાધન તરીકે તાપણાનો ઉપયોગ કરી રહ્યા છે. અસહ્ય ઠંડી માટે જાણીતા એવા નલિયામાં દર વર્ષે શિયાળા દરમ્યાન 1 થી 3 ડિગ્રી જેટલી ઠંડી નોંધાય છે તે જોતાં હાડ થિજાવતી ઠંડીનું રાઉન્ડ હજી બાકી છે. ઠંડીએ લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત કરી નાખતા લોકોના નિત્યક્રમો મોડા શરૂ થયા હતા. વહેલી સવારમાં નીકળી પડતા દૂધના ફેરિયાની સવાર પણ હવે મોડી પડવા લાગી છે. કાંઠાળ વિસ્તારના ગામો સુથરી, પીંગલેશ્વર, રામપર, વાંકુ, વગેરે ઉપરાંત સમગ્ર અબડાસાવાસીઓ કાતિલ ઠંડીનો સામનો કરવા સજ્જ થઈ ગયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer