અબડાસામાં રવિપાકના ઘઊંનું વાવેતર શરૂ

અબડાસામાં રવિપાકના ઘઊંનું વાવેતર શરૂ
સતીશ ઠક્કર દ્વારા નલિયા, તા. 2 : અબડાસા તાલુકાના પિયત વિસ્તારવાળા ગામડાઓમાં રવિ પાક એવા ઘઉંનું વાવેતર આરંભાયું છે. ટ્રેકટર દ્વારા થતું વાવેતર એકંદરે 35થી 40 એકર જમીનમાં થશે. સતત વરસાદ ચાલુ રહેતા અને વાડી વિસ્તારમાં કપાસનો ફાલ ઊતર્યો ન હોવાથી વાવેતર થોડુ મોડું આરંભાયું છે. રવિપાક મુખ્યત્વે ઘઉંનું વાવેતર 15 નવેમ્બરથી શરૂ થાય છે. પણ ચાલુ વર્ષે છેલ્લા ચારથી પાંચ દિવસથી વાવણી શરૂ કરાઈ છે. અબડાસાના પિયત વિસ્તારવાળા ગામો પૈકી વાડાપધ્ધર, વાંકુ, પ્રજાઉ, લાલા, કોણિયારા, કોઠારા, વરાડિયા, આમરવાંઢ, નુંધાતડ, હાજાપર, ધનાવાડા, ગઢવાડા વગેરે ગામોમાં વાવેતર શરૂ કરાયું છે. ઘઉંનું વાવેતર આખો ડિસેમ્બર મહીનો ચાલશે. મુખ્યત્વે લોકવન, જી.ડબલ્યૂ 496, જીડબલ્યૂ 173, જી.ડબલ્યૂ 451, સૂર્યમ, સુકુન સહિતની બિયારણની જાતોનું વાવેતર કરાઈ રહ્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત વરસાદના કારણે કપાસના ફાલને મોટું નુકસાન થયું હતું. જેનું સાટું વાળવા વિવિધ વિસ્તારોમાં ઘઉંનું વાવેતર કરાતાં માન્ય બિયારણ અબડાસાના બજારમાંથી અદ્રશ્ય થઈ ગયા છે. જેથી ધરતીપુત્રો મુખ્યત્વે અમાન્ય બિયારણનો ઉપયોગ વધુ કરે છે. પ્રતિ એકરે 60થી 80 કિ.ગ્રા. જેટલા બિયારણની જરૂર પડે છે. ભાવ 40 કિ.ગ્રા.ના માન્ય બિયારણના રૂા. 1500 જ્યારે અમાન્ય બિયારણના રૂા. 1400. બજારમાં ખાસ કરીને અમાન્ય બિયારણ ઉપલબ્ધ બને છે. પ્રતિ એકરે 50 કિ.ગ્રા. ડી.એ.પી.ની જરૂર પડે છે. જે આસાનીથી ઉપલબ્ધ છે. વાવેતર પછીના તબક્કામાં ત્રણ તબક્કે રાસાયણિક ખાતર યુરિયા જે અનુક્રમે 20,30,50 કિ.ગ્રા.ની જરૂર પડે છે. જ્યારે એકર દીઠ અડધી થેલી (25 કિ.ગ્રા.) પોટાસ નાખવો પડે છે જે બજારમાં ઉપલબ્ધ છે. વાવેતર પછી 90થી 120 દિવસે ઘઉંનો ફાલ ઊતરે છે. શિયાળો જો લાંબો સમય ચાલે તો ઘઉંનો ફાલ સારો ઊતરી શકે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે અબડાસાના 4 મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ મીઠી, કનકાવતી, બેરાચિયા, જંગડિયા છલકાઈ જવાની સાથે વીસેક નાની સિંચાઈ યોજનાના બંધો છલકાઈ જતા જેની પિયતનો લાભ ખેડૂતોને મળશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer