વિથોણ પંથકમાં પવનચક્કી ઊંઘ વેંચી ઉજાગરા સમાન

વિથોણ પંથકમાં પવનચક્કી ઊંઘ વેંચી ઉજાગરા સમાન
વિથોણ (તા. નખત્રાણા), તા. 2 : વિથોણ પંથકના આજુબાજુના ગામોના સીમાડાઓમાં મોટે પાયે પવનચક્કીનું પદાર્પણ થયું છે. ધીરે ધીરે વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરતા ઉપકરણો કાર્યરત થાય છે અને ચાલુ થવાની સાથે મનને વિચલિત કરે તેવો કર્કશ અવાજ ઉત્પન્ન થઇ રહ્યો છે. અને ત્રણ કિ.મી. સુધી ઘોંઘાટ પહોંચાડે છે. જેનાથી લોકોની ઊંઘ હરામ થઇ ગઇ છે. ભોયડ નદી વિસ્તારમાં લગભગ 15 જેટલી પવન ચક્કીઓ ઊભી કરવામાં આવી છે. જે સીધી રેખાની દૃષ્ટિએ ગામડાઓની ખૂબ જ નજીક થાય છે. રાત્રિના સમયે અવાજનું પ્રદૂષણ લોકોના ઘર સુધી ઘોંઘાટ રૂપે પહોંચે છે. જે ઉજાગરા કરાવે છે. ઘણા ખેડૂતોએ વધુ રૂપિયાની લાલચમાં આવીને કંપનીઓને જમીન આપી દીધી છે. પરંતુ કોઇએ પર્યાવરણની હાની અને અવાજના પ્રદૂષણનો જરા પણ વિચાર કર્યો નથી. એક માત્ર તાલુકાનું સાંગનારા ગામ એવું છે. જેને પવનચક્કીઓ બેસાડવાનો વિરોધ કર્યો છે અને કામ અટકાવીને પાટનગરના દરવાજા ખટખટાવ્યા છે. ખેડૂતોએ બીનઉપજાવુ જમીન કંપનીઓને વેંચી છે તેને અત્યારે ચોક્કસ લાભ થયો હશે. પરંતુ તેનાથી વધારે ખામિયાણું પંથકના પર્યાવરણને ભોગવવું પડે છે. પવનચક્કીઓના તોતિંગ ઉપકરણોના પરિવહન માટે માર્ગો બનાવવા હજારો કિંમતી અને દુર્લભ વનસ્પતિઓનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. અમુક લોકોને રૂપિયા આવતા દેખાય છે. પરંતુ પર્યાવરણની ઘોર ખોદાતી દેખાતી નથી. કિસાન સંગઠનો ખેતીની જમીન અને પર્યાવરણ બચાવવા મહેનત કરે છે. પરંતુ રાજકારણના દબાવમાં દબાઇ જાય છે. અને સરવાળે કંપનીઓવાળા પણ મોટા માથાના ગજવા ભરવામાં કોઇ કસર રાખતા નથી તેવું જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે. પંથક પક્ષીઓ માટે પવન ચક્કીઓ આકાશી આફત જેવી છે. પક્ષીઓની અનેક ઉડાનો પવનચક્કીના ચક્કરના કારણે રદ્ કરવી પડી છે જે પંથક માટે સારા સંકેત નથી તેવી પણ લાગણી જાગૃતોમાં ફેલાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer