ચારુલબેન બન્યા પ્રશમ પ્રજ્ઞાશ્રીજી મ.સા.

ચારુલબેન બન્યા પ્રશમ પ્રજ્ઞાશ્રીજી મ.સા.
નખત્રાણા, તા. 2 : તાલુકાના મોટા યક્ષ પાસેના શ્રી પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામમાં પન્યાસ પરમયશ વિજયજી મ.સા. આદિ સાધુ તથા સાધ્વીજી કમલપ્રભાશ્રીજી મ.સા. તથા હેમલતાશ્રીજી મ.સા.ની નિશ્રામાં ધામધૂમ, આનંદ-ઉલ્લાસ સાથે કુ. ચારુલબહેનની દીક્ષાવિધિ સંપન્ન થઇ હતી. આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તારાચદંભાઇ છેડા, સામાજિક અગ્રણીઓ, જૈન પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે ભવ્ય વરઘોડા બાદ આજે સોમવારે અહીં વિરાગ વાટિકામાં સૌપ્રથમ દીક્ષાર્થીના વિજયતિલક વત્ર આદિ ઉપકરણો વહોરવાની ઉછામણી બોલવામાં આવી હતી. દીક્ષાર્થીના માતા-પિતા પ્રદીપભાઇ શાહ, મીનાબેન પૂજ્યશ્રીનો રજોહરણ અર્પણ કર્યું હતું અને પૂજ્યશ્રીના સંગીતના તથા દીક્ષાર્થીના જયજયકાર સાથે દીક્ષાર્થી ચારુલબેનને અર્પણ કર્યું હતું. ચારુલબેન રજોહરણ ગ્રહણ કરતાં ખૂબ જ આનંદ સાથે ઝૂમી ઊઠયા હતા. ત્યારબાદ દીક્ષાર્થીનું કેશલોચ થયા બાદ સાધ્વી વેશમાં આવી ગયા હતા. પરમયશ વિજયજીએ જૈન દીક્ષાનું મહત્ત્વ સમજાવ્યા બાદ દીક્ષાર્થીનું નામાભિધાન `શ્રી પ્રશમ પ્રજ્ઞાશ્રીજી મ.સા.' નામ જાહેર કરવામાં આવ્યું હતું જે સાધ્વી જ્યોતિપ્રજ્ઞાના શિષ્યા જાહેર થયા હતા. મુખ્ય ચડાવવામાં દીક્ષાર્થીના વિજયતિલક તથા નામાભિધાનની ઉછામણીનો લાભ વીણાબેન વાડીલાલ શેઠ (ગાંધીધામ) (માનકૂવાવાળા) તથા કટાસણું-મુહપતિ ચરવળો વહોરવાનો લાભ જયવંતીબેન દેવચંદભાઇ છેડા માતરવાળાએ લીધો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ વિરસેનભાઇ શાહ, કમલેશભાઇ સંઘવી, નરેન્દ્રભાઇ મહેતા, પ્રવીણભાઇ મહેતા, પ્રકાશભાઇ ગાંધી, હેમાંગ શાહ, જયેન્દ્રભાઇ શાહ, ભરતભાઇ શેઠ ઉપસ્થિત રહ્યા હતા તેવું સંસ્થાના મીડિયા સેલ કન્વીનર કેતન શાહે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer