વાગડમાં કિશોરી સાથે દુષ્કર્મ

ગાંધીધામ, તા. 2 : ભચાઉ તાલુકાના એક ગામમાં એક કિશોરીને ભેટ આપવાની લાલચ આપી એક શખ્સે તેને નિર્જન વિસ્તારમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વાગડ પંથકમાં ચકચાર જગાવનાર ઘટનામાં 17 વર્ષીય એક કિશોરી ગત રાત્રે પોતાના ઘરે હતી ત્યારે ઉમેદગર ખીમગર ગુંસાઇ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. આ શખ્સે કિશોરીને ગિફટ આપવાના બહાને ઘરની બહાર બોલાવી હતી અને લગ્નની લાલચ આપી તેને ગામથી દૂર પવનચક્કી નજીક નિર્જન સ્થળે લઇ ગયો હતો. જ્યાં આ શખ્સે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં પોતે જ બોલેરોમાં કિશોરીને બેસાડી પરત મૂકી ગયો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ કિશોરીએ પોતાની આપવીતી પરિવારજનોને જણાવતાં આજે આ અંગે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે વિડીયો સાથે સગીરાના નિવેદન લઇ પોકસો સહિતની કલમો તળે આ શખ્સ ઉમેદગર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ બનાવની આગળની તપાસ ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલાએ હાથ ધરી છે. સમગ્ર દેશમાં ડો. પ્રિયંકા રેડ્ડીના બળાત્કાર, હત્યા મુદ્દે આક્રોશ ફેલાયો છે, ત્યારે કચ્છમાં બળાત્કારનો બનાવ સામે આવતાં ભારે ચકચાર પ્રસરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer