આણંદપર યક્ષમાં સંચાર નિગમનો મોબાઈલ ટાવર આઠ દિવસથી સાવ ઠપ

આણંદપર યક્ષમાં સંચાર નિગમનો  મોબાઈલ ટાવર આઠ દિવસથી સાવ ઠપ
આણંદપર (યક્ષ) તા. 2 : આ વિસ્તારમાં બી. એસ. એન. એલ.ની સેવા દિવસેને દિવસે ફંગોળાતી જાય છે. આ કંપની જાણે ન ધણિયાતી થતી જાય છે. ગ્રાહકોને સારી સારી સ્કીમનો લાભ આપે છે પણ સેવાના નામે પાછી પાની કરતી હોય એ જણાઈ રહ્યું છે. અધિકારીઓ કામ કરે કે ના કરે તેનો પગાર મહિનો થાય એટલે મળી જાય એટલે આ લોકો કામ કરવામાં પાછી પાછી કરે છે. લોકોને તકલીફ પડે છે એની દરકાર લેતા નથી તેવી ફરિયાદો ઊઠી છે. નખત્રાણા તાલુકાના આણંદપર (યક્ષ) ગામનું બી.એસ.એન.એલ. ટાવર આઠ દિવસ થયા બંધ છે એની સાથે જીઓનું ટાવર લગાવેલ છે જે ચાલુ છે જ્યારે બી. એસ. એન.એલ. ટાવર સાથે લેન્ડ લાઈન ફોન પણ ઠપ છે. લેન્ડલાઈન કનેકશન જેમાં બ્રોન્ડબેન્ડ સ્કીમવાળા છે જે મહિને સાડા ત્રણસો જેટલું બિલ આવે છે. આમ આઠથી દસ દિવસ ફોન બંધ રહેતા હોય તો તેનું રિફંડ પણ આ કંપની ગ્રાહકને આપતી નથી તેમજ મોબાઈલ ગ્રાહકો પણ સ્કીમમાં જોડાયેલા હોવાથી તેમણે પણ ખોટ ખાવાનો વારો આવે છે. આ કંપની જૂનામાં જુની હોવા છતાં નવી આવેલી કંપની સામે હાંફી જાય છે. આણંદપર એક્સચેન્જમાં અવારનવાર ઓ.એફ.સી. કપાય છે. જોઈન્ટરો જોઈન્ટ કરવા આવે છે. જોઈન્ટ કરીને ખાડામાં દાટવાને બદલે ઉપર જ ખુલ્લા મૂકીને ચાલ્યા જાય છે. જેથી પશુઓના પગ આવવાથી પણ ફોલ્ટ સર્જાય છે. તેમજ રોડની સાઈડમાં ઉપર જ કામ કરવાથી જ આ ઓપ્ટિકલ ફાઈબર કેબલ તૂટી પડવાના કિસ્સાઓ અવારનવાર બનતા ગામડાંના લોકોને પરેશાની ભોગવવી પડે છે. આ આણંદપર એક્સચેન્જમાં આજુબાજુના ગામડા સાંયરા, મોટાયક્ષ, મોરગર તેમજ પલીવાડ જેવા ગામડાઓ જોડાયેલા છે જે હાલ આ પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છે તેવું ગ્રામજનો કહે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer